- બાંગ્લાદેશમાં સેનાએ સત્તા સંભાળી
- બાંગ્લાદેશમાં હજારો ભારતીય નાગરિકો ફસાયેલા
- એસ જયશંકરે શેર કરી માહિતી
બાંગ્લાદેશમાં હિંસા ફેલાઈ અને સરકારના પતન પછી ભારત બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. હવે સેનાએ બાંગ્લાદેશમાં સત્તા સંભાળી છે અને વચગાળાની સરકાર બનાવવાની પણ વાત કરવામાં આવી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હજારો ભારતીય નાગરિકો પણ ત્યાં ફસાયેલા છે.
બાંગ્લાદેશમાં અંદાજિત 19,000 ભારતીય નાગરિકો છે
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં હાજર ભારતીય નાગરિકોની માહિતી શેર કરી છે. સાથે જ એસ જયશંકરે બાંગ્લાદેશના મુદ્દે સંસદમાં કહ્યું કે બાંગ્લાદેશમાં હજુ પણ અસ્થિર સ્થિતિ છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં અંદાજિત 19,000 ભારતીય નાગરિકો છે, જેમાંથી 9,000 વિદ્યાર્થીઓ છે.
મોટાભાગના વિદ્યાર્થીઓ જુલાઈમાં ભારત પરત ફર્યા
તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય હાઈ કમિશનની સલાહ પર મોટાભાગના વિદ્યાર્થીઓ જુલાઈમાં ભારત પરત ફર્યા છે. તેમણે કહ્યું કે અમે રાજદ્વારી મિશન દ્વારા બાંગ્લાદેશમાં ભારતીય સમુદાયના સતત સંપર્કમાં છીએ. ઢાકામાં ભારતીય હાઈ કમિશન સિવાય ચિત્તાગોંગ, રાજશાહી, ખુલના અને સિલ્હટમાં પણ સહાયક હાઈ કમિશન છે.
ઢાકામાં અધિકારીઓ સાથે સંપૂર્ણ સંપર્ક જાળવવામાં આવ્યો
તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશ સરકાર પાસેથી અમારી અપેક્ષા આ રાજદ્વારી મિશનને જરૂરી સુરક્ષા પૂરી પાડવાની છે. જયશંકરે કહ્યું કે અમે ત્યાંની પરિસ્થિતિ મુજબ સામાન્ય કામગીરીની અપેક્ષા રાખીએ છીએ. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં ઢાકામાં અધિકારીઓ સાથે સંપૂર્ણ સંપર્ક જાળવવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ પર પણ નજર
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત સરકાર બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ પર પણ નજર રાખી રહી છે. સમાચાર એ છે કે વિવિધ સંગઠનો અને જૂથોએ લઘુમતીઓના રક્ષણ માટે પગલાં લીધાં છે, જે આવકાર્ય છે. જો કે, જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી અમે સ્વાભાવિક રીતે જ ચિંતિત રહીશું. જયશંકરે એમ પણ કહ્યું કે સરહદ પર સુરક્ષા માટે અત્યંત તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.


