- ઈરાક દેશમાં કિશોરીઓની લગ્નના ઉંમર 18 વર્ષથી ઘટાડી નવ વર્ષ કરવા સંસદમાં ઠરાવ રજૂ
- વિવાદાસ્પદ અને વિચિત્ર કાયદાને બહાલી ન મળે તે માટે વિરોધ શરૂ થયો
- ઈરાક સંસદમાં કાયદો પસાર થશે તો બાળકીઓ, મહિલાઓનાં અધિકારો છીનવાશે, હિંસા વધશે
ઈરાક દેશની સંસદમાં એક વિચિત્ર અને વિવાદાસ્પદ બિલ રજૂ કરી સરકારે સૌને ચોંકાવી દીધા છે. ઈરાક હવે પોતાના દેશમાં માત્ર નવ વર્ષની ઉંમરની બાળકીનાં લગ્નની મંજૂરી આપવાનો ખરડો રજૂ કર્યો છે. જો આ બિલ પાસ થઈ જશે તો નવ વર્ષની નાની બાળકીની સાથે કોઈપણ લગ્ન કરી શકશે. આ વિવાદાસ્પદ ખરડાને લઈ વ્યાપક આક્રોશ અને ચિંતા પેદા કરી છે. કારણ કે, આમાં યુવતીઓની લગ્નની કાયદેસરની ઉંમર ઘટાડીને માત્ર નવ વર્ષ કરી દેવાની જોગવાઈ છે.
ઈરાકનો વિવાદિત કાયદો
મળતી માહિતી અનુસાર, આ બિલને ઈરાકના ન્યાય મંત્રાલયે રજૂ કર્યું છે. આ વિવાદાસ્પદ કાયદાનો હેતુ દેશના કાયદામાં સંશોધન કરવાનો છે. જે વર્તમાનમાં લગ્ન માટે લઘુત્તમ 18 વર્ષની ઉંમર નક્કી કરે છે. આ બિલ નાગરિકોને પારિવારિક મામલા પર નિર્ણય લેવા માટે ધાર્મિક અધિકારીઓ અથવા નાગરિક કોર્ટ વચ્ચે પસંદ કરવાની મંજૂરી આપશે. જો આ ખરડાને મંજૂરી મળી જશે તો નવ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ અને 15 વર્ષથી ઓછી ઉંમરના કિશોરોના લગ્ન કરવાની મંજૂરી અપાશે. જેનાથી બાળ વિવાહ અને શોષણ વધવાની આશંકવા વધી જશે.
વિરોધ થવાનું કારણ
ટિકાકારોનો એવો તર્ક છે કે આ પગલું મહિલાઓનાં અધિકારો અને જાતિ સમાનતાને પ્રોત્સાહન આપવાની દાયકાઓની પ્રગતિને નબળી કરી દેશે. માનવાધિકાર સંગઠનો, મહિલા જૂથો અને નાગરિક સમાજ કાર્યકરોએ યુવા મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને કલ્યાણ માટે ગંભીર પરિણામોની ચેતવણી આપતા બિલનો પૂરજોશમાં વિરોધ કર્યો છે. તેઓને તર્ક છે કે બાળ વિવાહથી સ્કૂલ છોડવાનો દર વધી જશે, જલ્દી ગર્ભધારણ થઈ જશે અને ઘરેલું હિંસાનો ખતરો વધશે. યુનોની બાળકોની એજન્સી યુનિસેફ અનુસાર, ઈાકમાં 28 ટકા કિશોરીઓનાં લગ્ન 18 વર્ષ પહેલા જ કરી નાંખ્યા હતા. માનવાધિકાર સંસ્થાનની એક મહિલા અધિકારીએ જણાવ્યું કે, આ કાયદાને બહાલી મળવાથી એ જાણવા મળશે કે દેશ આગળ નહિ પરંતુ પાછળ જઈ રહ્યો છે.


