- 74% લોકોને ઘર ચલાવવામાં તકલીફ : લોટ-દાળ મોંઘાદાટ, ખરીદવામાં પરસેવો છૂટી રહ્યો છે
- ગત વર્ષની તુલનાએ આ આંકડો 14 ટકા વધારે
- પાકિસ્તાનનું કુલ દેવું 79,731 અબજ પાકિસ્તાની રૂપિયા થઇ ગયું છે
પાકિસ્તાનમાં આર્થિક સંકટ સતત ઘેરાઇ રહ્યું છે અને તે કંગાલિયતના આરે પહોંચી ગયું છે. પાકિસ્તાનમાં તાજેતરના એક આર્થિક સરવેથી જાણવા મળ્યું છે કે દેશના 74 ટકા લોકો માસિક ઘરખર્ચ પૂરો કરવા માટે પણ ઝઝૂમી રહ્યા છે. ગત વર્ષની તુલનાએ આ આંકડો 14 ટકા વધારે છે.
પાકિસ્તાનમાં સામાન્ય માણસે ઘર ચલાવવા બબ્બે નોકરી કરવી પડે છે અને તેમ છતાં લોન લેવી પડે તેવી સ્થિતિ છે. સરકારે એક આર્થિક યોજના તૈયાર કરી છે છતાં વધતું દેવું પાકિસ્તાનનો માથાનો દુખાવો વધારી રહ્યો છે. પાકિસ્તાનના 11 મોટા શહેરોમાં ગયા મહિને અને ચાલુ મહિને હજારો લોકોને આવરી લઇને સરવે કરાયો હતો. તેનાથી માલૂમ પડયું કે મે, 2023માં 60 ટકા લોકોને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી હતી, જે આંકડો હવે વધીને 74 ટકા થઇ ગયો છે. 60 ટકા લોકોએ ઘરખર્ચમાં કાપ મૂકવો પડયો છે જ્યારે 40 ટકા લોકો ઉધાર લઇને ઘર ચલાવી રહ્યા છે. 10 ટકા લોકોએ ઘર ચલાવવા પાર્ટ ટાઇમ નોકરી કરવાનું શરૂ કરી દીધું છે. જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ના વડા મૌલાના ફઝલુર રહેમાને એક ખેડૂત સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે શેહબાઝ શરીફની સરકાર પાકિસ્તાનના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં નિષ્ફળ રહી છે.
56% લોકો કોઇ બચત કરી શકતા નથી
પાકિસ્તાનના 56 ટકા લોકો કોઇ જ બચત કરી શકતા નથી. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કેવી છે? પાકિસ્તાનીઓની ખર્ચ કરવાની ક્ષમતામાં થયેલો ઘટાડો અને મોંઘવારીની અસર અંગે પણ એક સરવે કરવામાં આવી રહ્યો છે. હાલની સ્થિતિ જોતાં તેના આંકડા પણ ચોંકાવનારા આવવાની ધારણા છે. શેહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન સરકાર હવે બજેટમાં રાજ્યોની હિસ્સેદારી 39.4 ટકાથી વધારીને 48.7 ટકા કરવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાને ગત નાણાવર્ષમાં પુષ્કળ દેવું લીધું હતું અને તેનું કુલ દેવું 79,731 અબજ પાકિસ્તાની રૂપિયા થઇ ગયું છે. પાકિસ્તાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે પણ સાત અબજ ડોલરની ડીલ કરી છે.


