- MQ-9B ‘હન્ટર-કિલર’ રિમોટ ઓપરેટેડ એરક્રાફ્ટની ખરીદવા ભારતની અમેરિકા સાથે વાટાઘોટો
- આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં MQ-9B હન્ટર-કિલર ડ્રોનના ડીલ પર થઈ શકે છે હસ્તાક્ષર
- MQ-9B હન્ટર-કિલર ડ્રોન ચીની સશસ્ત્ર ડ્રોન કરતા બહેતર માનવામાં આવે છે
ચીન અને પાકિસ્તાન બન્ને તેમના સશસ્ત્ર ડ્રોનનો કાફલો મજબૂત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત અમેરિકા પાસેથી 31 સશસ્ત્ર MQ-9B ‘હન્ટર-કિલર’ રિમોટ ઓપરેટેડ એરક્રાફ્ટની ખરીદી માટે ઝડપથી વાટાઘાટો કરી રહ્યું છે. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં આ ડીલ પર હસ્તાક્ષર કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
પાકિસ્તાને ચીન પાસેથી વધુ 16 સશસ્ત્ર CH-4 ડ્રોન માગ કરી
મીડિયા અહેવાલો મુજબ રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, 31 સશસ્ત્ર ઊંચાઈવાળા અને લાંબા સમય સુધી સહનશીલ ડ્રોન માટે આંતર-સરકારી કોન્ટ્રાક્ટ માટે તકનીકી-કમર્શિયલ ચર્ચાઓ હવે ઉત્તમ તબક્કામાં છે. તેમાં નેવી માટે 15 સમુદ્ર રક્ષક, આર્મી અને એરફોર્સ માટે 8-8 આકાશ રક્ષકો સેટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ચીને પાકિસ્તાનને તેના સશસ્ત્ર હોંગ-4 અને વિંગ લૂંગ-II ડ્રોનની સપ્લાય વધારી દીધી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ પાકિસ્તાને ચીન પાસેથી વધુ 16 સશસ્ત્ર CH-4 ડ્રોન માગ કરી છે. તેની પાસે પહેલાથી જ સેનામાં 7 અને નેવીમાં 3 CH-4 ડ્રોન છે.
MQ-9B રીપરની ખાસિયત શું છે?
MQ-9B રીપર અથવા પ્રીડેટર-B ડ્રોનને દેખરેખ માટે 40,000 ફીટથી ઉપરની ઊંચાઈ પર લગભગ 40 કલાક સુધી ઉડવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. તે ચોક્કસ હુમલા માટે હેલફાયર એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઇલો અને સ્માર્ટ બોમ્બથી સજ્જ છે. આ ચીની સશસ્ત્ર ડ્રોન કરતા ઘણા સારા માનવામાં આવે છે.
હિન્દ મહાસાગર અને ચીનની સીમા પર તૈનાત કરાશે
MQ-9B ડ્રોનની ઓપરેશનલ યુટિલિટી બે નિઃશસ્ત્ર સી ગાર્ડિયન ડ્રોન દ્વારા કરવામાં આવતા વ્યાપક ISR (ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, રિકોનિસન્સ) મિશન દ્વારા મજબૂત બને છે. ગાર્ડિયન ડ્રોન અમેરિકી ફર્મ જનરલ એટોમિક્સ પાસેથી લીઝ પર લેવામાં આવ્યા છે. આ MQ-9B ડ્રોનને વિશાળ હિન્દ મહાસાગરમાં (IOR) તેમજ ચીન સાથેની 3,488 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાત કરવામાં આવશે.
અમેરિકાએ આ ડીલ માટે આટલી કિંમત નક્કી કરી
અમેરિકાએ ડીલ માટે 3.9 બિલિયન ડોલર (33,500 કરોડથી રૂપિયાથી વધુ)ની કિંમત નક્કી કરી છે. આમાં 31 હથિયારબંધ MQ-9B ડ્રોન અને સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે, જેમાં 170 હેલફાયર મિસાઇલો, 310 GBU-39B પ્રેસિઝન-ગાઇડેડ ગ્લાઇડ બોમ્બ, નેવિગેશન સિસ્ટમ્સ, સેન્સર સૂટ અને મોબાઇલ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.
આ વર્ષમાં આ ડીલને પૂર્ણ કરવાના તમામ પ્રયાસો ચાલુ
ભારતીય વાટાઘાટ ટીમ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. એક સૂત્રએ જણાવ્યું કે, અમેરિકી સરકાર અને જનરલ એટોમિક્સ દ્વારા અન્ય દેશોને ઓફર કરાયેલ કિંમત અને શરતોને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. સુરક્ષા પર કેબિનેટ કમિટી પાસેથી આખરી મંજૂરી મળ્યા બાદ આ કેલેન્ડર વર્ષમાં આ ડીલને પૂર્ણ કરવાના તમામ પ્રયાસો ચાલુ છે.
MQ-9B ડ્રોનનું એસેમ્બલ ભારતમાં જ કરાશે
આ કરાર હેઠળ ડ્રોન ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે, જ્યારે જનરલ એટોમિક્સ ભારતીય કંપનીઓ પાસેથી કેટલાક સાધનો પણ ખરીદશે અને અહીં એક વૈશ્વિક MRO (મેન્ટેનન્સ, રિપેર, ઓવરહોલ) સુવિધા પણ સ્થાપિત કરશે. સશસ્ત્ર દળો અપેક્ષા રાખે છે કે કરાર પર હસ્તાક્ષર કર્યાના થોડા વર્ષોમાં પ્રથમ 10 MQ-9B ડ્રોન સામેલ કરવામાં આવશે. જો કે, આ જનરલ એટોમિક્સની ઉત્પાદન ક્ષમતા પર નિર્ભર રહેશે. બાકીના દર છ મહિને બેચમાં આવશે.
હિન્દ મહાસાગર સહિત જમીન સરહદો પર તૈનાત કરાશે
આ યોજના હિન્દ મહાસાગર વિસ્તાર માટે અરક્કોનમ, પોરબંદર અને જમીન સરહદો માટે સરસાવા અને ગોરખપુર ખાતે ISR કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રો પર લડાકૂ આકારના ડ્રોન તૈનાત કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આપણી લાંબા અંતરની શિકાર ક્ષમતાઓની સાથે આવા ડ્રોનની એવા સમયે જરૂર છે જ્યારે ચીની નેવીની ઘૂસણખોરી IORમાં વધુ વધવાની છે.”


