- ઈરાન દેશની રાજધાની તહેરાનમાં ડ્રાઈવિંગ કરતી મહિલાએ હિજાબ ન પહેરતા પોલીસે ગોળીઓ મારી
- મહિલાના ફેેફસામાંથી ગોળી મળી આવી, બીજી ગોળી કરોડરજ્જુને ડેમેજ કર્યું
- મહિલા લકવાગ્રસ્ત થઈ જતા આખી જિંદગીભર પથારીવશ રહેશે
ઈરાન દેશમાં હિજાબને લઈ એકવાર ફરીથી વિવાદ થયો છે. ઈરાન પોલીસે એક મુસ્લિમ મહિલાને માત્ર એટલા માટે ગોળી મારી કારણ કે, તે હિજાબ પહેર્યા વગર ડ્રાઈવિંગ કરી રહી હતી. પોલીસે રોકવા જતા તેને નિર્દેશનું પાલન ન કરતા આખરે પોલીસે મહિલાને ગોળી મારી દીધી હતી. આ મહિલા બે બાળકોની માતા છે. હવે આ મહિલા આખી જિંદગીભર પથારીવસ અને લકવાગ્રસ્ત થઈ ગઈ છે. કારણ કે, ગોળી વાગવાથી તેની કમરની નીચેનો ભાગ લકવો મારી ગયો છે.
31 વર્ષીય અરેજુ બદ્રીને ગત 22 જુલાઈએ ઈરાનની રાજધાની તહેરાનથી આશરે 121 માઈલ દૂર નૂર શહેરમાં ઘરે જતી વખતે પોલીસે રોકી હતી. જો કે તેને માથે હિજાબ બરોબર નહોતો પહેર્યો. પોલીસે રોકતા તે હજી હિજાબ ઠીક કરે તે પહેલાં તો પોલીસે સીધી ત્રણ ગોળી ધરબી દીધી. જે એક કારના ટાયરને લાગી અને બીજી બે ગોળી આ મહિલાની કરોડરજ્જુને લાગી. એક ગોળી તેના ફેફસામાંથી મળી આવી હતી. બંને ગોળીઓ મહિલાનાં શરીરમાંથી તાબડતોબ કાઢવામાં આવી પરંતુ ગોળી વાગવાને લીધે મહિલાની કરોડરજ્જુ ડેમેજ થઈ ગઈ છે. જેથી તેને સંપૂર્ણ લકવો મારી ગયો છે.
ઈરાન પોલીસ અધિકારીએ કાર્યવાહીનો યોગ્ય જણાવી
મળતી માહિતી અનુસાર, મહિલાને ગોળી મારવા અંગે પોલીસે જ તેના પરિવારજનોને જણાવ્યું હતું. પરિવારજનો ઘટનાસ્થળે આવ્યા અને તેને નૂર શહેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની સ્થિતિને જોતા તેને 72 માઈલ દૂર હોસ્પિટલમાં રિફર કરી દીધી હતી. જ્યાં તેનું ઓપરેશન કરાયું, પરંતુ તબીબ ગોળી કાઢી ન શક્યા. ઘટનાના એક અઠવાડિયા પછી આ પીડિત મહિલાને ઈરાનની રાજધાની તહેરાન લઈ જવાઈ. જ્યાં તબીબોએ સર્જરી કરી કરોડરજ્જુના હાડકામાં ફસાઈ ગયેલી ગોળી કાઢી હતી. ઈરાનના નૂર શહેરની પોલીસે જણાવ્યું કે, પોલીસના આદેશોનું પાલન ન કર્યું અને અધિકારીઓએ ગોળી મારી દીધી હતી.
આટલું ઓછું હોય તેમ પોલીસ વિભાગે સરકારને જણાવ્યું કે, ઈરાનના કાયદા હેઠળ મહિલાને ગોળી મારવી યોગ્ય છે. આમ છતાં એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે જે મહિલાને પોલીસે ગોળીઓ મારી તેને હિજાબ પહેર્યો હતો કે નહીં. પરંતુ પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી. આ ઉપરાંત પીડિત મહિલાની કારને લઈ એક જપ્તીની નોટિસ પણ ફટકારવામાં આવી છે.


