- કાયરો ગયેલું ઇઝરાયલનું ડેલિગેશન કોઈ પણ ચર્ચા કર્યા વગર પરત ફર્યુ
- રાફા બોર્ડર ગાઝાને બહારની દુનિયા સાથે જોડતો એકમાત્ર રસ્તો
- ફિલાડેલ્ફિયા કોરિડોર અને રાફા બોર્ડર ગાઝા માટે મહત્વનો મુદ્દો
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો ચાલુ છે. અમેરિકા, કતર, ઈજિપ્ત સહિત વિશ્વભરના દેશો ગાઝા યુદ્ધવિરામ માટે પ્રયાસો કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર યુદ્ધવિરામ અને બંધક મુક્તિ કરાર માટે કાયરો ગયેલું ઇઝરાયલનું ડેલિગેશન ફિલાડેલ્ફિયા કોરિડોર અને રાફા મુદ્દાઓ પર કોઈ ચર્ચા કર્યા વિના ઇઝરાયલ પરત ફર્યું છે.
ફિલાડેલ્ફિયા કોરિડોર ગાઝા માટે મહત્વનો મુદ્દો
ફિલાડેલ્ફિયા કોરિડોર ગાઝા માટે મહત્વનો મુદ્દો છે, કારણ કે ઇઝરાયલ સમગ્ર કોરિડોર પર નિયંત્રણ મેળવવા માંગે છે. ફિલાડેલ્ફિયા કોરિડોર ઇજિપ્ત અને ગાઝા સરહદ પર લગભગ 12 કિલોમીટરની પાતળી પટ્ટી છે અને તેના પર રાફા બોર્ડર છે. ફિલાડેલ્ફિયા કોરિડોર પર નિયંત્રણ મેળવ્યા બાદ ગાઝા ચારે બાજુથી ઇઝરાયલી સેનાના નિયંત્રણમાં આવશે. તમને જણાવી દઈએ કે, ગાઝાને બહારની દુનિયા સાથે જોડવાનો એકમાત્ર રસ્તો રાફા બોર્ડર છે. એટલા માટે હમાસ સમજૂતીમાં અહીંથી ઇઝરાયલી દળોને હટાવવાની માંગ કરી રહ્યું છે.
બંધકોને ઘરે લાવવાની આ છેલ્લી તક હોઇ શકે
મીડિયા અહેવાલ મુજબ વાતચીત સફળ ન થવાને કારણે ઇઝરાયલનું પ્રતિનિધિમંડળ પરત ફર્યું છે. સોમવારે ઇઝરાયલની મુલાકાતે ગયેલા US વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને મળ્યા બાદ કહ્યું હતું કે, બંધકોને ઘરે લાવવાની આ છેલ્લી તક હોઇ શકે છે. પરંતુ ઈઝરાયલ ડેલિગેશનના તમામ મુદ્દાઓ પર ચર્ચા કર્યા વિના પરત ફરવાથી આ વાતચીતમાં કોઈ પ્રગતિ થઈ હોય તેવું લાગતું નથી.
હમાસ પર લગાવ્યો આરોપ
ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે US વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, હમાસ કરારમાં અડચણ ઉભી કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે ચારે બાજુથી આતંકથી ઘેરાયેલા છીએ અને અમે એક મજબૂત રાષ્ટ્ર તરીકે તેની સામે લડી રહ્યા છીએ. જ્યારે હમાસનું કહેવું છે કે, અમેરિકાનો આ કરાર મેમાં કરવામાં આવેલા કરારથી અલગ છે અને તેને ઈઝરાયલની શરતો અનુસાર બદલવામાં આવ્યો છે.
શું આ વખતે સમાધાન થશે?
એન્ટની બ્લિંકન સોમવારે સાંજે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને પણ મળ્યા હતા. તેમની મુલાકાત ત્રણ કલાક સુધી ચાલી હતી. મીટિંગ પૂર્ણ થયા બાદ PM ઓફિસે જણાવ્યું કે, બેઠક સકારાત્મક રહી અને સારા વાતાવરણમાં યોજાઈ. બેઠક દરમિયાન વડાપ્રધાને અમારા બંધકોની મુક્તિ અંગેના વર્તમાન US પ્રસ્તાવ માટે ઇઝરાયલની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
હમાસનું કહેવું છે કે, આ કરારમાં સંપૂર્ણ યુદ્ધવિરામનો કોઈ ઉલ્લેખ નથી અને તેના બદલે કરારના અન્ય ભાગની વાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે હમાસ આ સમજૂતી માટે સહમત થશે કે પછી અમેરિકાએ ફરીથી ફેરફાર કરવો પડશે.


