- વડાપ્રધાને વોર્સોમાં ભારતની ડિજિટલ ક્રાંતિનો ઉલ્લેખ કર્યો
- EUની વસ્તી 448 મિલિયન જ્યારે ભારતમાં દરરોજ થતા UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા 466 મિલિયન
- દેશમાં UPI પેમેન્ટમાં વાર્ષિક ધોરણે 45 ટકાનો ગ્રોથ થયો
પોલેન્ડનાં પ્રવાસે ગયેલા ભારતનાં પીએમ મોદીએ વોર્સોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમણે ભારતની ડિજિટલ ક્રાંતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારતમાં દરરોજ EUની વસ્તી જેટલા UPI ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે.
કેન્દ્રનાં પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચરની સફળતાનો ચિતાર આપતી પોસ્ટ કરી હતી. જેમાં એવું દર્શાવાયું હતું કે, EUની વસ્તી 448 મિલિયન છે જ્યારે ભારતમાં દરરોજ થતા UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા 466 મિલિયન છે. ભારતમાં ઓગસ્ટમાં છેલ્લા 20 દિવસમાં જ 9840.14 મિલિયન UPI ટ્રાન્ઝેક્શન થવા પામ્યા છે. જે ભારતમાં કેશલેસ નાણાકીય વ્યવહારોનાં વધતા જતા મહત્વનો નિર્દેશ કરે છે. દેશની ઈકોનોમી માટે મહત્વની એવી યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમને દેશમાં ઝડપથી અપનાવવામાં આવી છે. NPCI દ્વારા જણાવાયું છે કે દેશમાં UPI પેમેન્ટમાં વાર્ષિક ધોરણે 45 ટકાનો ગ્રોથ થયો છે અને કુલ રૂ. 20.64 ટ્રિલિયન મૂલ્યનાં વ્યવહારો નોંધાયા છે.
સતત ત્રીજા મહિને UPI વ્યવહારો 20 ટ્રિલિયન પાર
દેશમાં સતત ત્રીજા મહિને UPI નાણાકીય વ્યવહારો રૂ. 20 ટ્રિલિયનની સપાટીને વટાવી ગયા છે. જે જૂન 2024માં રૂ. 20.07 ટ્રિલિયન અને મે 2024માં રૂ. 20.44 ટ્રિલિયન થયા હતા. જુલાઈ 2024માં સરેરાશ રોજનાં UPI વ્યવહારો 466 મિલિયન એટલે કે આશરે રૂ. 66,590 કરોડનાં થયા છે.


