- કતારના અધિકારીઓએ 28 ઓગસ્ટે દોહા સ્થિત ભારતીય દૂતાવાસને આ બે સ્વરૂપ સોંપ્યા
- કતારમાં ડિસેમ્બર 2023માં પરવાનગી વિના ધાર્મિક પ્રવૃત્તિઓના આરોપમાં ગ્રંથ જપ્ત કર્યા હતા
- સમગ્ર મામલે ભારતીય દૂતાવાસે સ્થાનિક કાયદાઓ હેઠળ યોગ્ય પગલાં લેવાનો પ્રયાસ કર્યો હતો
કતારમાં શીખ ધર્મનો પ્રવિત્ર ગ્રંથ શ્રી ગુરુ ગ્રંથ સાહિબના બે ‘સ્વરૂપ’ને ભારતીય દૂતાવાસને સોંપવામાં આવ્યા છે. આ ઘટના ડિસેમ્બર 2023માં બની હતી, જ્યારે કતારના અધિકારીઓએ મંજૂરી વિના ધાર્મિક સંસ્થા ચલાવવાના આરોપમાં ભારતીય નાગરિક પાસેથી આ પવિત્ર પુસ્તકો જપ્ત કર્યા હતા. આ ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે, કતારના અધિકારીઓએ 28 ઓગસ્ટે દોહા સ્થિત ભારતીય દૂતાવાસને આ બે સ્વરૂપ સોંપ્યા છે.
વિદેશ મંત્રાલયે કતાર સરકારનો આભાર માન્યો
વિદેશ મંત્રાલયે આ મામલે કતાર સરકારનો આભાર માન્યો છે અને તમામ ભારતીય નાગરિકોને સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. આ અપીલ ખાસ કરીને કતાર અને અન્ય દેશોમાં રહેતા ભારતીય નાગરિકો માટે કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
આ વિવાદની શરૂઆત ડિસેમ્બર 2023માં થયો હતો, જ્યારે કતારના અધિકારીઓએ પરવાનગી વિના ધાર્મિક પ્રવૃત્તિઓના આરોપમાં બે પવિત્ર સ્વરૂપોને જપ્ત કર્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ શીખ સમુદાયના નેતાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસે સ્થાનિક કાયદાઓ હેઠળ તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી.
વિદેશ મંત્રાલય દ્વારા માહિતી અપાઈ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, કતારના અધિકારીઓએ એક સ્વરૂપને પરત કર્યું છે અને ખાતરી આપી છે કે અન્ય સ્વરૂપને પણ ટૂંક સમયમાં સન્માન સાથે પરત કરવામાં આવશે.
કતારમાં શીખ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન
કતારમાં આ ઘટનાને લઈ અનેક શીખ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર સ્વરૂપો પર આ રીતે કબજો મેળવવો ખોટું છે અને આને ખૂબ જ અનાદર તરીકે જોવામાં આવે છે.
કતારના અધિકારીઓએ સમગ્ર મામલે ગંભીરતાથી લીધી
આ સમગ્ર મામલે ભારતીય દૂતાવાસે સ્થાનિક કાયદાઓ હેઠળ યોગ્ય પગલાં લેવાનો પ્રયાસ કર્યો અને ખાતરી કરી કે ગ્રંથને આદર સાથે રાખવામાં આવે. કતારના અધિકારીઓએ પણ આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને પવિત્ર ગ્રંથો પરત કરવામાં તત્પરતા દર્શાવી હતી.


