- રશિયામાં 22 લોકો સાથે એક હેલિકોપ્ટર ગુમ થઈ ગયું
- હેલિકોપ્ટરમાં 19 મુસાફરો સિવાય 3 ક્રૂ મેમ્બર હતા
- હેલિકોપ્ટરની શોધ માટે એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું
રશિયામાં 22 લોકો સાથે એક હેલિકોપ્ટર ગુમ થઈ ગયું હતું. આ અંગે માહિતી આપતાં સ્થાનિક મીડિયાએ શનિવારે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરમાં 19 મુસાફરો સિવાય 3 ક્રૂ મેમ્બર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર ટેક ઓફ કર્યા બાદ તરત જ રડારથી ગાયબ થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલિકોપ્ટર ફાર ઇસ્ટના કામચટકા ક્ષેત્રમાં વાચકઝેટ્સ જ્વાળામુખીની નજીક ઉડી રહ્યું હતું ત્યારે તે ગુમ થયું હતું. હેલિકોપ્ટરને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ટેક ઓફ કર્યા પછી તરત જ રડારથી ગાયબ થઈ ગયું
ઘટના અંગે માહિતી આપતા રશિયાની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું કે વિટિયાઝ-એરો એરલાઇન દ્વારા સંચાલિત Mi-8T હેલિકોપ્ટર સવારે 7.15 વાગ્યે ટેકઓફ કર્યા બાદ સંપર્ક તૂટી ગયો હતો. કટોકટી સેવાઓ અનુસાર, Mi-8T હેલિકોપ્ટર ટેકઓફના થોડા સમય પછી રડારમાંથી ગાયબ થઈ ગયું હતું, જોકે ક્રૂએ સંપર્ક ગુમાવતા પહેલા કોઈ સમસ્યાની જાણ કરી ન હતી.
19 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર સવાર
હેલિકોપ્ટરમાં 19 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર હતા. મીડિયા અહેવાલો એ પણ સૂચવે છે કે નિકોલેવેકા એરપોર્ટના વિસ્તારમાં કામચાટકા હાઇડ્રોમેટિયોલોજિકલ સેન્ટર દ્વારા ઓછી દૃશ્યતા નોંધવામાં આવી હતી, જ્યાં હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
હેલિકોપ્ટરની શોધ માટે એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું
રહસ્યમય રીતે ગાયબ થયેલા આ હેલિકોપ્ટરની શોધ માટે એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું છે. જો કે હજુ સુધી કોઈ જાણ થઈ શકી નથી. આ મામલે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેણે ટ્રાફિક સુરક્ષા નિયમોના ઉલ્લંઘન અને હવાઈ પરિવહનના સંચાલનને લગતી ક્રિમિનલ કોડની કલમ 263 હેઠળ ઘટનાની તપાસ શરૂ કરી છે.
ગુમ થયું હેલિકોપ્ટર!
બચાવ કામગીરીમાં મદદ માટે વોલીન અને નિકોલેવકાના વસાહતમાં પણ બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે Mi-8T એક ટ્વીન એન્જિન હેલિકોપ્ટર છે જેને 1960માં ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે રશિયા અને પડોશી દેશોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે, જ્યાં તેને લગતા અકસ્માતો વારંવાર થાય છે.


