- ગાઝામાં ટનલમાંથી ઈઝરાયલના બંધકોના મૃતદેહ મલી આવતા શોકનો માહોલ
- બંધકોની હત્યા કરનારાઓ યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિની ડીલ ઈચ્છતા નથીઃ નેતન્યાહુ
- અમે એક ક્રૂર દુશ્મન સામે લડી રહ્યા છીએ જે અમે બધાને મારી નાખવા માંગે છેઃ નેતન્યાહુ
ગાઝામાં એક ટનલમાંથી 6 ઈઝરાયલ બંધકોના મૃતદેહ મળી આવતા સમગ્ર ઈઝરાયલમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇઝરાયલના સૈન્યના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ રવિવારે જણાવ્યું હતું કે, “અમે તેમને બચાવી શકીએ તે પહેલા બંધકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.” હવે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કહ્યું છે કે, બંધકોની હત્યા કરનારાઓ યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિની ડીલ ઈચ્છતા નથી.
ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ હમાસ પર આરોપ લગાવ્યો
નેતન્યાહુએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેમની સરકાર યુદ્ધવિરામ કરાર માટે પ્રતિબદ્ધ છે. તેમણે હમાસ પર સમજૂતી ન કરવા માટે જવાબદાર ઠેરવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર બંધકોને મુક્ત કરવા માટેના કરાર માટે દિવસ-રાત કામ કરી રહી છે.
“આ એક મુશ્કેલ દિવસ છે”
બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, “આ એક મુશ્કેલ દિવસ છે, સમગ્ર દેશના લોકોના દિલ તૂટી ગયા છે. ઇઝરાયલના તમામ નાગરિકોની સાથે, હું અમારા છ બંધકોની ભયાનક અને ક્રૂર હત્યાથી આઘાતમાં છું. વધુમાં નેતન્યાહુએ બંધકોના નામ લીધા અને કહ્યું કે, ડિસેમ્બરથી હમાસ શાંતિ મંત્રણામાંથી પીછેહઠ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, ત્રણ મહિના પહેલા 27 મેના રોજ ઈઝરાયલ અમેરિકાના શાંતિ પ્રસ્તાવને સ્વીકારવા તૈયાર હતું, પરંતુ હમાસે તેનો ઈન્કાર કરી દીધો હતો. નેતન્યાહુએ કહ્યું કે, જ્યારે પણ ઇઝરાયલ સમજૂતી પર પહોંચવા માટે મધ્યસ્થી સાથે વાત કરે છે, ત્યારે હમાસ પીછેહઠ કરે છે.
“અમે નિર્દય દુશ્મન સામે લડી રહ્યા છીએ.”
નેતન્યાહૂએ ચાલી રહેલી લડાઈ પર કહ્યું કે, અમે એક ક્રૂર દુશ્મન સામે લડી રહ્યા છીએ જે અમે બધાને મારી નાખવા માંગે છે. આજે સવારે જ હેબ્રોનમાં ત્રણ પોલીસકર્મીઓની હત્યા કરી દેવામાં આવી છે. મારી પત્ની અને હું તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે 7 ઑક્ટોબરના રોજ હમાસના હત્યારાઓની અકલ્પનીય ક્રૂરતા જોઈ હતી અને અમે તેને આજે ફરીથી રાફાની નીચેની ટનલોમાં જોયું.
યુદ્ધવિરામ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ
તેમણે કહ્યું કે, હમાસ 7 ઓક્ટોબરના હુમલાને ચાલુ રાખવા માંગે છે. અમે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ કે હમાસ 7 ઓક્ટોબરનું ભવિષ્યમાં પુનરાવર્તન ન કરી શકે. ઈઝરાયલના પીએમએ એમ પણ કહ્યું કે, અમે યુદ્ધવિરામ અને બંધકની મુક્તિ ડીલ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ.


