- અમેરિકા સહિત યુરોપના દેશોમાં ઓરોપોચેના કેસમાં સતત વધારો
- સ્લૉથ તાવ માખીઓ અને મચ્છરોના કરડવાથી ફેલાય છે
- સ્લૉથ તાવનો પહેલો કેસ 1950માં નોંધાયો હતો
દુનિયા હજુ કોરોના વાયરસના ખતરામાંથી હજી બહાર નથી આવી ત્યાં તો હવે બે નવા વાયરસનો ખતરો સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. મંકીપોક્સ પછી અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં ઓરોપોચે નામનો વાયરસ ફેલાયો છે. CDCના જણાવ્યા અનુસાર અમેરિકા સહિત યુરોપના દેશોમાં ઓરોપોચેના કેસ નોંધાઈ રહ્યા છે. CDCનું કહેવું છે કે, આ વાયરસ સ્લૉથ જોવા મળે છે અને તે માખીઓ અને મચ્છરો દ્વારા ફેલાય છે, તેથી તેને સ્લોથ ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રાઝિલમાં આ તાવને કારણે બે મહિલાઓના મોત પણ થયા છે.
સ્લૉથ તાવ શું છે?
આ વાયરસ સ્લૉથમાં જોવા મળે છે, પરંતુ તે માખીઓ અને જંતુઓ દ્વારા ફેલાય છે. તેથી તેને જંતુજન્ય બીમારી માનવામાં આવે છે. આ સંક્રમિત મિજ નામની માખીના કરડવાથી ફેલાય છે. જોકે, આ વાયરસ નવો નથી. તેનો પહેલો કેસ 1950માં નોંધાયો હતો. પરંતુ આ વર્ષે વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
સ્લૉથના કેસોમાં સતત વધારો
CDCના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સ્પેનમાં 12, ઇટાલીમાં 5 અને જર્મનીમાં 2 કેસ નોંધાયા છે. પરંતુ અત્યાર સુધીમાં બ્રાઝિલ, બોલિવિયા, પેરુ, કોલંબિયા અને ક્યુબામાં 8,000થી વધુ કેસ નોંધાયા છે. આ દેશોના પ્રવાસીઓએ આ તાવ ન્યુયોર્ક અને ફ્લોરિડામાં પણ ફેલાવ્યો છે.
આ તાવ કેવી રીતે ફેલાય છે?
એપિડેમિયોલોજિસ્ટ ડો. જુગલ કિશોરે જણાવ્યું કે, આ તાવ ચેપગ્રસ્ત માખીઓ અને જંતુઓના કરડવાથી ફેલાય છે. આ વાયરસ જંગલ વિસ્તારોમાં જંતુઓ, પક્ષીઓ, વાંદરાઓ, માર્મોસેટ્સ અને સ્લૉથમાં ફેલાવવાનું શરૂ કરે છે અને ધીમે ધીમે આ પ્રાણીઓમાંથી માણસો સુધી પહોંચે છે.
શું ભારતમાં પણ છે ખતરો?
ડો. જુગલ કિશોરે જણાવ્યું કે, ભારતમાં હાલ આ તાવનો કોઈ ખતરો નથી. તેના કિસ્સાઓ અહીં નહીંવત છે. જો કે, તો પણ સાવચેત રહેવાની જરૂર છે અને બીજા વાયરસ જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચાંદીપુરા સામે રક્ષણની હાલ વધુ જરૂર છે.
સ્લૉથ તાવના લક્ષણો
સંક્રમિત માખી અથવા મચ્છર કરડવાના 7-10 દિવસની અંદર સ્લૉથ તાવના લક્ષણો દેખાનું શરૂ થાય છે.
- તાવ
- માથાનો દુખાવો
- ઉબકા આવવા
- ઝાડા
- નબળાઈ અને થાક અનુભવવો
- પેટ અને સાંધામાં દુખાવો અનુભવવો
- શરીર પર લાલ ફોલ્લીઓનો સમાવેશ થાય છે.
આ બીમારીના લક્ષણો સામાન્ય રીતે 7 દિવસમાં ઠીક થઈ જાય છે, પરંતુ 70 ટકા દર્દીઓને ફરીથી આ તાવ આવી શકે છે.
આ બીમારીથી કેવી રીતે બચવું
આ તાવથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે, માખી અને મચ્છરના કરડવાથી પોતાને બચાવો. આ માટે તમારી આસપાસ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.
આ બીમારીની વેક્સિન અથવા દવા
હાલમાં સ્લૉથ તાવની સારવાર માટે કોઈ રસી અથવા દવા બનાવવામાં આવી નથી. તેની સારવાર માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને આરામ કરો. જો કે, તેના લક્ષણો એક અઠવાડિયામાં જ ઓછા થઈ જાય છે. જો સમસ્યા ગંભીર હોય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં મોડું ન કરો.


