- રશિયાએ મધ્ય યુક્રેનમાં જોરદાર હુમલાઓ શરૂ કર્યા
- રશિયાએ કરેલ હુમલામાં 41 લોકોના મોત અને 180 ઈજાગ્રસ્ત થયા
- મધ્ય યુક્રેનમાં શૈક્ષણિક સંસ્થા અને નજીકની હોસ્પિટલ પર હુમલા
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં બન્ને દેશો વચ્ચે યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. રશિયા અને યુક્રેન બન્ને એકબીજા પર સતત ઘાતક હુમલાઓ કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. આ દરમિયાન રશિયાએ મધ્ય યુક્રેનમાં જોરદાર હુમલા શરૂ કર્યા છે. આ મિસાઈલ હુમલાઓમાં 41 લોકોના મોત થયા છે અને 180 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ આ હુમલાની જાણકારી આપી છે.
યુક્રેનના મધ્ય ભાગમાં હુમલો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે જણાવ્યું હતું કે, રશિયાએ મધ્ય યુક્રેનમાં એક શૈક્ષણિક સંસ્થા અને નજીકની હોસ્પિટલ પર બે બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી, જેમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે અને 180 અન્ય ઘાયલ થયા હતા. ઝેલેન્સકીએ તેની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું કે, આ હુમલો પોલ્ટાવા પ્રદેશમાં થયો હતો.
ખારકીવમાં 47 લોકોના મોત થયા હતા
આ પહેલા રવિવારે રશિયાની સેનાએ યુક્રેનના ખારકીવમાં ઘાતક હુમલા કર્યા હતા. જેમાં 5 બાળકો સહિત ઓછામાં ઓછા 47 લોકોના મોત થયા હતા. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ 47 લોકોના મોત ખારકીવમાં એક મોલ પર રશિયન મિસાઈલ હુમલામાં થયા છે. ખારકીવમાં રશિયન હુમલા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમના પશ્ચિમી સાથીઓ સાથે ચર્ચા કરી અને તેમના દ્વારા પ્રદાન કરવામાં આવેલી મિસાઇલો સાથે રશિયા પર હુમલો કરવાની મંજૂરી માંગી હતી. યુક્રેનનું કહવું છે કે, તે રશિયાના વધુ આંતરિક વિસ્તારો પર હુમલો કરવા માંગે છે.
યુક્રેને ડ્રોન હુમલો કર્યો
રશિયાના અધિકારીઓએ એમ પણ કહ્યું કે, યુક્રેને રશિયાના શહેરો પર લગભગ 158 ડ્રોન ફાયર કર્યા હતા. જેના પછી મોસ્કો ઓઇલ રિફાઇનરી અને કોનાકોવો પાવર સ્ટેશનમાં આગ લાગી હતી. ગયા અઠવાડિયે રશિયાના શહેર સારાટોવામાં એક બિલ્ડિંગ પર યુક્રેનના ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની સરખામણી અમેરિકાના 9/11 સાથે કરવામાં આવી હતી.


