પીએમ નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા છે. બંને દેશની મુલાકાતને ભારત સાથેના વેપાર, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી હતી. બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે વ્યાપક ચર્ચા થઈ હતી, જેમાં આર્થિક સહયોગ, ઉર્જા ક્ષેત્રમાં ભાગીદારી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
બ્રુનેઇની લીધી મુલાકાત
ભારત અને બ્રુનેઈ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ હતી. અનેક એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં બંદર સેરી બેગવાન અને ચેન્નાઈ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. બ્રુનેઈના સુલતાને વિશ્વના સૌથી મોટા મહેલ ‘ઈસ્તાના નુરુલ ઈમાન’માં પીએમ મોદીના સન્માનમાં લંચનું પણ આયોજન કર્યું હતું. પીએમ મોદીએ
વેપારી સમુદાય સાથે પણ વાતચીત કરી હતી જે દરમિયાન પીએમ મોદીએ ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો હેઠળ રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન બંને દેશો વચ્ચે પ્રાદેશિક સુરક્ષા અને આતંકવાદના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. બંને દેશોએ સાથે મળીને કામ કરવાનું અને આંતરરાષ્ટ્રીય મંચોમાં એકબીજાને ટેકો આપવાનું વચન આપ્યું હતું.
સિંગાપોરની લીધી હતી મુલાકાત
પીએમ મોદી બ્રુનેઇ બાદ સિંગાપોરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. અહીં હિંદુ સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે સેમિકન્ડક્ટર સહિત ચાર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પીએમ મોદીએ સિંગાપોરની સંસદની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સિંગાપોરના ઉદ્યોગપતિઓને મોદીની ઓફર!
પીએમ મોદીએ સિંગાપોરમાં બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાનો પરિચય બનારસના સાંસદ તરીકે પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે બનારસની વાત આવે તો બનારસનું પાન કેવી રીતે ભૂલાય. તેમણે કહ્યું કે બનારસનુ પાન એટલુ મીઠુ અને સરસ હોય છે કે તેના માટે તમારે ભારત આવવુ પડે. આ માટે પીએમ મોદીએ બિઝનેસ મેનને કાશીમાં રોકાણ કરવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું કે બનારસી પાન ખાવાની મજા લેવા માગતા હોવ તો તમારે વારાણસીમાં ચોક્કસ રોકાણ કરવું જોઇએ તેમ કહીને ખડખડાટ હસી પડ્યા..


