અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના હરીફ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ માટે દરવાજા મુક્ત રાખ્યા છે.
આ પહેલા તેમણે જાહેરાત કરી હતી કે ડેમોક્રેટિક પાર્ટીના હરીફ કમલા સાથે બીજી વાર ડિબેટની કોઇ જરૂર નથી. શુક્રવારે કેલિફોર્નિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ બાદ ફોક્સ ન્યૂઝના એશાહ હેસ્નીએ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એવી સ્થિતિઓ વિશે સવાલ કર્યો હતો જે સ્થિતિ હેઠળ તેઓ અન્ય ડિબેટ માટે સંમતિ આપી શકે છે.
ટ્રમ્પે જવાબમાં કહ્યું હતું કે મને કોઇ બાબતની જરૂર નથી.
હું કાલે ડિબેટ કરી શકુ છું. આ વર્ષે પોતે બે ડિબેટમાં ભાગ લીધો હોવાની વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે બીજી ડિબેટમાં પણ મેં બધાને પાછળ રાખી દીધા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં ટ્રમ્પે જો બાઇડેન સાથે પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લીધો હતો જ્યારે બીજી વાર 10 સપ્ટેમ્બરે કમલા હેરિસ સાથે ડિબેટમાં ભાગ લીધો હતો.
ટ્રમ્પે પોતાની ડિબેટ વિશે કહ્યું હતું કે મેં ડિબેટ્સમાં સારો દેખાવ કર્યો હતો અને મને લાગે છે કે તેમને તમામ જવાબ મળી ગયા હતા. પરંતુ જો મને લાગે છે કે હું બીજી ડિબેટ કરી શકું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે ડિબેટ બાદ થયેલા દરેક સરવેમાં હું આગળ હતો.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ ટ્રૂથ સોશિયલ પર તાજેતરમાં જ પોસ્ટ કરીને કહ્યું હતું કે ચૂંટણી પહેલા ત્રીજી ડિબેટ થવાની સંભાવના નહિવત છે. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યારે કોઇ પ્રાઇઝ ફાઇટર ફાઇટમાં હારી જાય છે ત્યારે તેના મોઢામાંથી નીકળતા પહેલા શબ્દો ફરીવાર મેચ રમવાના હોય છે.


