ચીન તેના ત્રીજા એરક્રાફ્ટ કેરિયર ‘ફુજિયાન’ પર તૈનાત કરવા માટે J-35 નામના નવા સ્ટેલ્થ ફાઇટર એરક્રાફ્ટનું પરીક્ષણ કરી રહ્યું છે. આ એરક્રાફ્ટ કેરિયર અન્ય બે જહાજો કરતા અલગ પ્રકારની ટેકનોલોજીથી સજ્જ છે. ફુજિયન પાસે ઇલેક્ટ્રોમેગ્નેટિક કૅટપલ્ટ સિસ્ટમ છે.
J-35નું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું
મીડિયા અહેવાલ અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) નેવીના પ્રથમ એરક્રાફ્ટ કેરિયર લિયાઓનિંગ પર આ વર્ષે J-35નું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નવું એરક્રાફ્ટ ચીનનું નેક્સ્ટ જનરેશનનું સ્ટેલ્થ ફાઈટર એરક્રાફ્ટ હોઈ શકે છે.
‘ફુજિયાન’નું વજન 80 હજાર ટન
ચીન પાસે હાલમાં બે એરક્રાફ્ટ કેરિયર છે. આ પૈકી સોવિયેત યુગના જહાજ ‘લિયાઓનિંગ’નું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને ‘શાંદોંગ’ સ્વદેશી રીતે નિર્મિત બીજું એરક્રાફ્ટ કેરિયર છે. જેને 2019માં સેવામાં સામેલ કરવામાં આવ્યું હતું. તેનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર ‘ફુજિયાન’ બન્ને જહાજો કરતાં મોટું છે અને હાલમાં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેનું વજન 80 હજાર ટન છે. તે પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસિત અને નિર્મિત એરક્રાફ્ટ કેરિયર છે અને તેમાં અમેરિકાના જહાજ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડની જેમ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ (EMALS)છે.
શેન્યાંગ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા બનાવાયું
ચીનના એક અખબારે કહ્યું હતું કે, J-35ને શેન્યાંગ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા J-20 પછી પાંચમી પેઢીને ચીનના બીજા ફાઇટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સિંગાપોરના એસ. રાજરત્નમ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના નિષ્ણાત કોલિન કોહે જણાવ્યું હતું કે, લિયાઓનિંગ એરક્રાફ્ટ કેરિયરનો ઉપયોગ પીએલએની ક્ષમતાઓ ચકાસવા માટે કરવામાં આવી રહ્યો છે. હવે J-35નું યોગ્ય ફાઈટર એરક્રાફ્ટ તરીકે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.


