અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે ફરી ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આશરે બે મહિના પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. જેમાં ગોળી ટ્રમ્પના કાનને વીંધીને નીકળી ગઈ હતી. જ્યારે આ વખતે હુમલામાં ટ્રમ્પ આમ તો સુરક્ષિત છે, પરંતુ જૂના રેકોર્ડ જોતા ચૂંટણી લડતા ઉમેદવારો પર ખતરો જરૂર વધી જતો હોય છે.
અમેરિકામાં નેતાઓની હત્યાઓનો જૂનો ઈતિહાસ રહ્યો છે, માત્ર રાષ્ટ્રપતિઓ પર જ હુમલા નથી થયા પરંતુ રાષ્ટ્રપતિ પદ માટે ઊભા રહેલા ઉમેદવારો પર પણ હુમલા થઈ ચુક્યા છે. આ હુમલા ડરાવવાના પ્રયાસ નહોતા પરંતુ વાસ્તવમાં જીવલેણ સાબિત થયા હતા.
અમેરિકામાં વર્ષ-1968માં રોબર્ટ કેનેડી ડેમોક્રેટિક પાર્ટીના દાવેદાર હતા. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીના ભાઈ હતી. જેની પાંચ વર્ષ અગાઉ હત્યા થઈ હતી. ત્યાર પછી કેનેડીની લોકપ્રિયતા વધવા લાગી હતી. તેઓ ન્યૂયોર્કના સેનેટર હતા અને તેઓની પર પાર્ટી તરફથી ચૂંટણી લડવા દબાણ થયું. પાંચ વર્ષ પછી કેનેડા રાજી થયા પરંતુ અભિયાન દરમિયાન જ તેઓની હત્યા કરી દેવામાં આવી. હુમલા વખતે લોસ એંજેલસમાં હોટલમાં હતા. જ્યાં એક શખ્સે ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં પાંચ બીજા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આરોપીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી લેવામાં આવી હતી.
બુલેટને લીધે લકવો થયો
જ્યોર્જ કોર્લી વોલેસ સતત ચાર વખત અલાબામાના ગવર્નર તરીકે સેવા આપ્યા બાદ ડેમોક્રેટ્સ તરફથી પ્રમુખપદ માટે રેસમાં હતા, ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ફાયરિંગમાં તે કમરથી નીચે તરફ ફંગોળાઈ ગયા હતા. હત્યારા, આર્થર બ્રેમરે સ્વીકાર્યું કે તે વોલેસની જાતિવાદી ટિપ્પણીથી પરેશાન હતો.
પૂર્વ ગવર્નરે અશ્વેત સમુદાય માટે અલગ-અલગ શાળાઓ, હોસ્પિટલો અને હોટલોની સતત વાત કરી હતી. આ કારણે ગોરા વર્ચસ્વવાદીઓ તેમનાથી ખુશ હતા, જ્યારે મોટો વર્ગ પણ ખૂબ નારાજ હતો. હુમલા બાદ તેઓ ક્યારેય રાજકારણમાં પાછા ફરી શક્યા નહીં.
ખિસ્સામાં કાગળના જાડા બંડલે જીવ બચાવ્યો
ઓક્ટોબર-1912માં થિયોડોર રૂઝવેલ્ટ રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર હતા જ્યારે તેમના પર હુમલો થયો હતો. આ પહેલા તેઓ બે વખત રાષ્ટ્રપતિ પદ પર રહી ચૂક્યા છે. રેલી દરમિયાન રૂઝવેલ્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગોળી છાતી તરફ હતી, પરંતુ તેના ખિસ્સામાં રાખેલા ધાતુના બોક્સ અને કાગળોના જાડા બંડલને કારણે ગોળી અંદર જઈ શકી ન હતી અને રૂઝવેલ્ટનો બચાવ થયો હતો. હુમલાખોર જોન શ્રેન્ક જ્યારે પકડાયો ત્યારે જાણવા મળ્યું કે તે માનસિક રીતે સંતુલિત નથી. આવી સ્થિતિમાં આકરી સજાને બદલે તેને માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
સિક્રેટ સર્વિસ કોણે સુરક્ષા આપે છે?
સિક્રેટ સર્વિસ એજન્સી સમયની સાથે પોતાનું વિસ્તરણ કર્યું અને પચાસના દાયકમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એક્ટ પાસ થયો જે પૂર્વ રાષ્ટ્રપતિઓ અને તેઓના પતિ અથવા પત્નીને આખી જિંદગી સુરક્ષા આપે છે. સ્પાઉસ જો બીજા લગ્ન કરી લે તો સિક્રેટ સર્વિસ તેને સુરક્ષા નથી આપતી. પૂર્વ રાષ્ટ્રપતિઓના 15 વર્ષના બાળક સુધીની સુરક્ષા આ એજન્સીની જવાબદારી છે. પરંતુ ઘણીવાર આ સુરક્ષા લાંબા સમય સુઘી મળે છે. જો રાષ્ટ્રપતિ જાતે માંગ કરે અથવા આવી ધમકીઓ મળતી જોવા મળતી હોય.
સિક્રેટ સર્વિસનો ઈતિહાસ શું છે?
નકલી ચલણી નોટો રોકવા માટે અમેરિકામાં સિક્રેટ સર્વિસને વર્ષ-1865માં ટ્રેઝરી વિભાગે એક શાખા તરીકે શરૂ કરી હતી. પહેલા આનું કામ ડોલરની નકલી નોટો રોકવાનું હતું. એ સમયે નકલી કરન્સી ખૂબ બનાવવામાં આવતી. ઘણા રિપોર્ટસ એવું કહે છે કે સિવિલ વૉર દરમિયાન માર્કેટમાં આવી ચલણી નોટો ફરતી રહેતી હતી. જેથી વર્ષ-1901માં તત્કાલીન રાષ્ટ્રપતિ વિલિયમ મેક્નિલેની ન્યૂયોર્કમાં હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ વ્હાઈટ હાઉસ હરકતમાં આવ્યું અને નક્કી કર્યું કે સિક્રેટ સર્વિસને ફેક કરન્સીના ચલણને રોકવાની સાથે રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે.
સિક્રેટ એજન્ટસ પાસે કેટલી તાકાત હોય છે?
સિક્રેટ એજન્ટ પાસે વોરન્ટ ઈશ્યૂ કરવાનો પાવર હોય છે. પરંતુ તે વોરન્ટ વગર પણ ધરપકડ કરી શકે છે. ફાયર આર્મ્સ રાખતા કુલ ત્રણ હજાર 200 સ્પેશિયલ એજન્ટસ છે. સિક્રેટ સર્વિસના યુનિટમાં 1300 ડિવિઝન ઓફિસર્સ અને બે હજારથી વધુ ટેક્નિકલ અને સપોર્ટ પર્સનલ હોય છે.


