જર્મનીના કોલોન શહેરમાં સોમવારે સવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ રુડોલ્ફ પ્લેટ્ઝ અને એહરેનસ્ટ્રાસે વચ્ચેના હોહેન્ઝોલર્નિંગ પર થયો હતો. તેની સામે જ વેનિટી નાઈટક્લબ પણ આવેલું છે. ઘટના બાદ તરત જ પોલીસે સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો હતો અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે લોકોને તે વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે જ્યાં આ ઘટના બની છે.
વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી
જર્મનીના એક અખબારના અહેવાલ મુજબ વિસ્ફોટની આ ઘટના સ્થાનિક સમય અનુસાર લગભગ 05.50 વાગ્યે બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. જો કે, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
વિસ્ફોટમાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી
રાહતની વાત એ છે કે આ બ્લાસ્ટની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી કે કોઈને ઈજા પહોંચી નથી. ઘટના અંગે પોલીસે કહ્યું કે, અમે વિસ્તારને સીલ કરી દીધો છે અને વધુ તપાસ ચાલી રહી છે. કોલોન પોલીસે X પર પોસ્ટ કરીને લોકોને એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે તે વિસ્તારના લોકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા અને વિસ્ફોટ પ્રભાવિત વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી
ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલી ટીમો અને તપાસ ટીમો સ્થળ પર હાજર છે. તપાસ ટીમો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. પોલીસ ઘટનાના દરેક પાસાઓની તપાસ કરી રહી છે. વિસ્ફોટ કયા કારણોસર થયો અને કેવી રીતે થયો તે જાણવા માટે નજીકમાં લગાવવામાં આવેલ CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલા મ્યૂનિખમાં થઈ હતી ગોળીબારી
કોલોનમાં આ વિસ્ફોટ જર્મનીના મ્યૂનિખમાં પોલીસ દ્વારા કથિત રીતે હથિયાર લઈ જઈ રહેલ એક વ્યક્તિ પર ગોળી ચલાવ્યાના થોડા જ દિવસો બાદ થયો છે. જેમાં તેને ઈજા પહોંચી હતી. આ ઘટના શહેરમાં ઈઝરાયલના જનરલ કોન્સ્યુલેટ પાસે બની હતી. આ ઉપરાંત ગયા મહિનાની શરૂઆતમાં પણ સોલિંગનમાં કોઈ અજાણ્યા હુમલાખોરે સ્થાનિક તહેવારોના કાર્યક્રમમાં છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.


