પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેઓએ જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ની બહાલી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ખ્વાજા આસિફે જણાવ્યું કે, અમે કલમ-370 પર નેશનલ કોન્ફ્રન્સ-કોંગ્રેસ ગઠબંધનના વલણથી સહમત છીએ. તેઓએ કહ્યું કે, પાકિસ્તાન સરકાર અને ઉમર અબ્દુલલ્લા-કોંગ્રેસ ગઠબંધન કાશ્મીરમાં કલમ-370ની બહાલી ઈચ્છે છે.
પાકિસ્તાનની એક સ્થાનિક મીડિયા પર ચર્ચામાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને પૂછાયું કે, ફારુક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લા અને પંડિત નહેરુ વચ્ચે કલમ-370 અને 35A નક્કી થઈ હતી. વર્તમાન ચૂંટણીમાં આ બંને પક્ષો નેશનલ કોંન્ફરન્સ અને કોંગ્રેસ કહે છે કે, જમ્મુ-કાશ્મીરને કલમ-370 અને 35Aને ફરીથી બહાલ કરીશું. શું તમને એવું લાગે છે કે આ શક્ય થશે?
આની પર ખ્વાજા આસિફે કહ્યું કે, મારો ખ્યાલ છે કે આ મુદ્દે પર ઘણીવાર ડિબેટ થઈ છે. બંને પક્ષોએ પોત-પોતાની પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાત જણાવી છે. જો ત્યાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની સરકાર બનશે તો મને લાગે છે, આવું શક્ય થશે.
ભાજપે આ નિવેદનને વખોડયું
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના આ નિવેદનને વખોડી કાઢ્યું છે. પાકિસ્તાન તરફથી આવેલા આ નિવેદન બાદ કોંગ્રેસ પર હુમલો કરવા ભાજપને નવું હથિયાર આપી દીધું છે. ભાજપ તરફથી અપાયેલ નિવેદન પ્રમાણે કોંગ્રેસ પાર્ટી હંમેશા ભારતના હિતોની વિરોધી છે. પાકિસ્તાન કલમ-370 પર કોંગ્રેસ-એનસીના વલણને સમર્થન કરી રહ્યું છે. ભાજપે જણાવ્યું કે, પન્નુથી લઈ પાકિસ્તાન સુધી રાહુલ ગાંધી અને તેઓની કોંગ્રેસ હંમેશા ભારતના હિતો પ્રતિકૂળ લોકોના પક્ષમાં દેખાય છે. ભાજપ તરફથી અપાયેલ નિવેદનમાં આગળ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરથી લઈ બાંગ્લાદેશ સુધી કોંગ્રેસનું વલણ પાકિસ્તાન જેવું છે.


