પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન ગત 14 મહિનાથી અદિયાલામાં જેલની હવા ખાઈ રહ્યા છે. આ દરમિયાન 21 સપ્ટેમ્બર એટલે કે, આજે પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકરો ઈમરાન ખાનને જેલમાંથી છોડાવાના સમર્થનમાં લાહોરમાં ભવ્ય રેલી યોજી રહ્યા છે. પીટીઆઈએ અગાઉ આઠ સપ્ટમ્બરે રેલી યોજી હતી. જે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.
કોર્ટે રેલીના આયોજન માટે મંજૂરી આપી
પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ પાર્ટીની કમાન મરિયમ નવાઝે સંભાળી રહ્યા છે. કોર્ટે પાકિસ્તા તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીને શનિવારે લાહોરના કાહનામાં આવેલા રિંગ રોડ પર રેલી કરવાની મંજૂરી આપી દીધી છે.
લાહોર હાઈકોર્ટમાં પીટીઆઈએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકાર અમને રેલી કરવાની મંજૂરી નથી આપી રહી, અને આઠ સપ્ટેમ્બરે યોજાયેલી રેલીમાં પોલીસે અમારા કાર્યકરોની અટકાયક કરી લીધી હતી. જેથી એનઓસીમાં રેલી કાઢવા મંજૂરી આપી દેવામાં આવી છે. રેલી માટે બપોરના ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે. ઉપરાંત 43 શરતો સાથે રેલી માટે મંજૂરી આપવામાં આવી છે.
રેલીમાં ભારે જનમેદની ઉમટી પડશે
આ રેલીને લઈ ઈમરાન ખાને જણાવ્યું કે, 21 સપ્ટેમ્બરની લાહોર રેલી પીટીઆઈ માટે કરો યા મરોનો મુદ્દો છે. બંધારણ રેલીના અધિકારની ગેરન્ટી આપે છે અને જો આ અધિકારથી ઈનકાર થયો તો પીટીઆઈ સમર્થકો જેલ ભરશે. જેથી જેલમાં પૂર આવશે. ઈમરાન ખાને જનતાને પોતાના ઘરમાંથી બહાર નીકળી રેલીમાં સામેલ થવા માટે જણાવ્યું છે.
લાહોરમાં યોજાતી રેલીનો સમય વધારવા અરજી
આ બધી શરતો સામે આવ્યા પછી ઈમરાન ખાનની પાર્ટીએ કોર્ટમાં અરજી કરી છે કે રેલીનો સમય વધારવા મંજૂરી આપવામાં આવે. આ વાતને લીધે કોર્ટ અને પાર્ટીની વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ હાલ સમય સીમા ફાઈનલ નથી થઈ.


