જગત જમાદાર એવા અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં મંગળવારે પોતાનું અંતિમ ભાષણ આપ્યું હતું. આ દરમ્યાન તેઓએ મધ્ય-પૂર્વમાં ચાલુ તણાવ અને ભારત સહિત વિશ્વ ભરના દેશોમાં થયેલી ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. બાઈડેને પોતાના ભાષણમાં ચીનને કડક સંદેશ આપતા જણાવ્યું કે તેઓ ઈન્ડો-પેસિફિકમાં ગઠબંધન અને ભાગીદારીને મજબૂત કરવા યથાવત્ રહેશે.
જો બાઈડેને યુનોમાં જણાવ્યું કે, અમેરિકાએ દુનિયાની મદદ કરવાથી પાછળ પાની ન કરવી જોઈએ. બાઈડેને લેબેનોનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાની વચ્ચે ઘર્ષણને પૂર્ણ યુદ્ધમાં તબદિલ થવાના ખતરા અને ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયલના સૈન્ય અભિયાનના આશરે એક વર્ષ પૂર્ણ થવાની વચ્ચે આ ટિપ્પણી કરી હતી.
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા આહ્વાન કર્યું
તેમના સંબોધનમાં, બાઈડેને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ અને સુદાનમાં 17 મહિના લાંબા ગૃહયુદ્ધને સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ફેબ્રુઆરી-2022થી રશિયાના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેન માટે યુએસ અને તેના પશ્ચિમી સહયોગીઓના સંપૂર્ણ ટેકાને પણ રેખાંકિત કર્યું હતું. બાઈડેને કહ્યું, “મેં ઇતિહાસમાં નોંધપાત્ર પરિવર્તન જોયું છે. હું જાણું છું કે જ્યારે ઘણા લોકો આજે વિશ્વ તરફ જુએ છે, ત્યારે તેઓ સમસ્યાઓ જુએ છે અને તેઓ નિરાશા સાથે પ્રતિક્રિયા આપે છે, પરંતુ હું તેમ કરતો નથી. જ્યારે વિશ્વ “સાથે મળીને કામ કરે છે, ત્યારે આપણે આપણે વિચારીએ છીએ તેના કરતા વધુ મજબૂત છે.”
ભારત સહિત ઘણા દેશોમાં ચૂંટણીને બાઈડેને ઉલ્લેખ કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના છેલ્લા ભાષણમાં જણાવ્યું કે, અમે ઘાનાથી લઈ ભારત અને દક્ષિણ કોરિયા સુધી વિશ્વના લોકોને શાંતિપૂર્વક પોતાના ભવિષ્યની પસંદગી કરતા જોયો. વિશ્વના એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરનાર દેશ આ વલ્ષે ચૂંટણી કરાવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે છેલ્લી વાર યુનોમાં પોતાના સંબોધમાં બાઈડેને સંયુક્ત રાષ્ટ્ર મહાસાભાના 79મા સત્રની બેઠકમાં કહ્યું કે, આ ઉલ્લેખનીય છે કે, વર્ષ-1972માં અમેરિકાના સેનેટ માટે પ્રથમવાર ચૂંટાઈ આવ્યા પછી અહીં લોકોની શક્તિ જ છે જે ભવિષ્ય વિશે મને વધુ આશાવાદી બનાવે છે.


