ભારતીય પ્રશંસકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ક્ષણ હવે નજીક છે. આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત થવા જઈ રહી છે. વરિષ્ઠ પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર, ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે, ઇંગ્લેન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફી અને ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવા માટે બપોરે એક પત્રકાર પરિષદને સંબોધશે. ભારતીય ફાસ્ટ બોલિંગ લીડર જસપ્રીત બુમરાહની પણ આ ટીમમાં પસંદગી થવાની આશા છે, જેનાથી તેના વિશે ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવશે.
આ મેગા ઈવેન્ટમાં બુમરાહની ભાગીદારી તેની ફિટનેસ પર નિર્ભર છે
મીડિયા રીપોર્ટ અનુસાર ભારતીય ટીમ અંગે ચર્ચા કરવા માટે પસંદગી સમિતિએ કેપ્ટન રોહિત અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ મેગા ઈવેન્ટમાં બુમરાહની ભાગીદારી તેની ફિટનેસ પર નિર્ભર છે. પોતાની ફિટનેસ સાબિત કરવા માટે બુમરાહ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં પણ રમતા જોવા મળી શકે છે, જે ટી-20 શ્રેણી બાદ 6 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.
બુમરાહ સિડની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો
તાજેતરમાં સમાપ્ત થયેલ બોર્ડર-ગાવસ્કર શ્રેણી દરમિયાન બુમરાહને પીઠમાં સ્નાયુઓ ખેંચાયા હતા. સિડની ટેસ્ટના પાંચમા દિવસે તેને અસ્વસ્થતા અનુભવાઈ હતી, જેના કારણે તેણે અધવચ્ચે જ મેદાન છોડવું પડ્યું હતું અને તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. જોકે બીસીસીઆઈએ તેની ઈજાની સંપૂર્ણ ગંભીરતા જાહેરમાં જાહેર કરી ન હતી, બુમરાહ મેચ દરમિયાન બે દિવસ બોલિંગ કરતી વખતે મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. બુમરાહની ગેરહાજરીને કારણે ભારતને આ મેચ છ વિકેટથી હારવી પડી હતી.
બુમરાહ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, પસંદગીકારો ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓછામાં ઓછી એક મેચમાં બુમરાહનું પ્રદર્શન જોવા માંગે છે જેથી તેની ફિટનેસનું મૂલ્યાંકન કરી શકાય અને તેની પસંદગી અંગે અંતિમ નિર્ણય લઈ શકાય. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ગંભીર ઈજા બાદ બુમરાહને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને તે લાંબા સમય સુધી આરામ કરશે. બાદમાં બુમરાહે પોતે આ સમાચારો પર પ્રતિક્રિયા આપી અને તેને સંપૂર્ણ રીતે ફેક ન્યૂઝ ગણાવ્યા.


