ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી બાદ પેલેસ્ટાઇને ત્રણ ઈઝરાયેલી કેદીઓને મુક્ત કર્યાના કલાકોમાં જ ઇઝરાયેલે 90 પેલેસ્ટિયન કેદીઓને છોડી મુક્યા હતાં. ઈઝરાયેલની રામલ્લાહ સ્થિત ઓફર જેલમાંથી પેલેસ્ટિની કેદીઓને મુક્ત કરાયા હતાં. આ કેદીઓમાં પેલેસ્ટાઇનના મુખ્ય સંગઠનોના કાર્યકરો, મહિલાઓ તથા બાળકોનો સમાવેશ થાય છે.
પેલેસ્ટિની કેદીઓની મુક્તિ સમયે જેલની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાં હતાં. તેમણે જેલમાંથી મુક્ત થયેલાં કેદીઓનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત તેમને સફેદ બસોમાં લઇ જવાતા હતાં ત્યારે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. નોંધનીય છે કે ઈઝરાયેલે આ તમામ લોકોને પથ્થરમારા તથા હત્યાના પ્રયાસના આરોપો હેઠળ જેલમાં પૂર્યા હતાં. બહાર આવેલા કેદીઓએ તેમની મુક્તિમાં થયેલા વિલંબ બદલ ઈઝરાયેલની ટીકા કરી હતી. નોંધનીય છે કે ઈઝરાયેલની સેનાએ આ મુક્તિની જાહેર ઉજવણી કરવા સામે કડક ચેતવણી ઈશ્યૂ કરી હતી. કેદીઓએ તેની પણ ટીકા કરી હતી.
પેલેસ્ટાઇનના ડાબેરી નેતાને પણ મુક્ત કરાયા
ઈઝરાયેલે જે પેલેસ્ટિનીઓને મુક્ત કર્યા છે તેમાં અનેક નેતાઓનો પણ સમાવેશ થાય છે. તેમાં મુખ્ય પેલેસ્ટાઇનના ડાબેરી જૂથ પોપ્યુલર ફ્રન્ટ ફોર લિબરેશન ઓફ પેલેસ્ટાઇનના વડા 62 વર્ષના ખાલિદા જર્રારાનો સમાવેશ થાય છે. તેમને ડિસેમ્બર 2023માં પકડી લેવાયા હતાં. આ ઉપરાંત હમાસના અધિકારી સાલેહ આરોરીની બહેન દલાલ ખાસીબ, નેતા અહમદ સઆદતની પત્ની અબલા અબ્દેલ રસૂલનો સમાવેશ થાય છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલા સાથે શરૂ થયેલા આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે અને લાખો લોકો બેઘર થયાં છે. અનેક દેશોની દરમિયાનગીરી બાદ 15 જાન્યુઆરીએ ઇઝરાયેલ યુદ્ધવિરામ માટે સહમત થયું હતું.
સહાય સામગ્રીની 630થી વધુ ટ્રકો ગાઝા પટ્ટીમાં પહોંચી
યુદ્ધવિરામ સમજૂતી અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રની 630થી વધુ ટ્રકો માનવીય સહાય માટેની સામગ્રી સાથે સોમવારે ગાઝા પટ્ટીમાં પહોંચી હતી. યુએનના માનવીય બાબતોના નાયબ મહાસચિવ ટોમ ફ્લેચરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. આ પૈકી 300 ટ્રક ઉત્તર ગાઝામાં સહાય સામગ્રી લઇને પહોંચી હતી.


