મિડલ ઓર્ડરમાં ડેરિલ મિચેલ તથા ટોમ લાથામે નોંધાવેલી અડધી સદીની મદદથી ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને ફાઇનલ મુકાબલામાં પાંચ વિકેટે હરાવીને ત્રિકોણીય શ્રોણી જીતી લીધી હતી. પાકિસ્તાન 49.3 ઓવરમાં 242 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગયું હતું. ન્યૂઝીલેન્ડે 28 બોલ બાકી રાખીને 45.2 ઓવરમાં પાંચ વિકેટે 243 રન બનાવીને ફાઇનલ જીતી લીધી હતી.
પાકિસ્તાનની ઇનિંગમાં સુકાની રિઝવાને 46, સલમાન આગાએ 45 તથા તૈયબ તાહિરે 38 રનનું યોગદાન આપ્યું હતું. વિલ ઓરુકીએ 43 રનમાં ચાર, બ્રેસવેલે 38 રનમાં બે તથા સાન્તેનરે 20 રનમાં બે વિકેટ ઝડપી હતી. રનચેઝ કરનાર ન્યૂઝીલેન્ડ માટે મિચેલે 58 બોલમાં 57 તથા લાથામે 64 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઓપનર ડેવોન કોનવેએ 48 તથા વિલિયમ્સને 34 રનનું યોગદાન આપ્યું હતું.


