- ગોઝારો અકસ્માત
- 2ના ઘટનાસ્થળે જ મોત
- 3 લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા
દશેરાના દિવસે આણંદમાંથી એક ગોઝારા સમાચાર સામે આવ્યા છે. અહીં બોરસદમાં કાર અને બાઈક વચ્ચે ટક્કર થવાથી એક બાઈકચાલક ચગદાઈ ગયો હતો. આ ઘટનામાં 2ના મોત થયા છે જ્યારે કે 3 ને ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલના દિવસોમાં ગુજરાતમાં વાહન અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. લોકો વિવિધ કારણોસર ઓવરસ્પીડિંગ કે પછી નાના બાળકોને વાહન ચલાવવા આપવા જેવા કારણોસર આવી ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને વાહનોના વધતા જતા પ્રમાણની સામે રોડ સુવિધાઓમાં પણ વધારો ન થયો હોવાથી આવી ઘટનાઓ બની શકતી હોય છે. ખરેખર આવી ઘટનાઓમાં ભૂલ ભલે કોઈની પણ હોય પરંતુ ભોગવવું હંમેશા રાહદારીઓ અથવા નિર્દોષ લોકોને જ પડતું હોય છે. ઘણાંને આજીવન કોઈ ખોટ રહી જાય એવી જિંદગી મળે છે તો ઘણાં પોતાના પરિવારજનોને આવી ઘટનાઓમાં ગુમાવીને નોધારા બની જતા હોય છે.ૉ
આવી જ એક ઘટનામાં આણંદના બોરસદ નજીકના વધવાલા પાસે એક અકસ્માત થયો હતો. હકીકતે તારાપુર-વાસદ હાઈવે પર સરસ્વતી સ્કૂલ પાસે આ દુર્ઘટના બનવા પામી હતી. જેમાં બે કાર અને એક બાઈક વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે કાર વચ્ચે આવવાથી બાઈકચાલક ચગદાઈ ગયો હતો. બનાવની માહિતી પ્રમાણે એક વેગનઆર કાર, ઈકો કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના નોંધાઈ હતી. જેમાં 2 લોકોનું મોત નિપજ્યું હતું અને 3 લોકો ઘાયલ થવાથી હોસ્પિટલે ખસેડાયા હતા જેમનો ઈલાજ ચાલુ છે.
આ ઘટનાની જાણકારી મળતાં જ બોરસદ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. ખાસ કરીને સૌથી પહેલા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 3 ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો ઈલાજ શરૂ કરી દેવાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


