શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મીટિંગ થઈ હતી. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર સરહદ પારથી ગોળીબાર અને IED હુમલાની ઘણી ઘટનાઓ પછી તણાવ ઘટાડવા માટે વાતચીત કરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સવારે 11 વાગ્યે શરૂ થયેલી બંને દેશો વચ્ચે ફ્લેગ મીટિંગ લગભગ 75 મિનિટ સુધી ચાલી હતી. એલઓસી પર છેલ્લા ઘણા અઠવાડિયાથી તણાવ બાદ આ બેઠક થઈ હતી.
LOC પર ભારત પાકિસ્તાનની ફ્લેગ મીટિંગ
સરહદ પર ભારત પાકિસ્તાન બેઠકમાં નિયંત્રણ રેખા(LOC) પર 2021થી ચાલુ યુદ્ધવિરામ જાળવી રાખવા, નિયંત્રણ રેખાને તણાવમુક્ત બનાવવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીને સર્વસંમતિ સધાઈ હતી. ભારત તરફથી પૂંચ બ્રિગેડના કમાન્ડર અને પાકિસ્તાની સેનાની બે પાકિસ્તાની બ્રિગેડના કમાન્ડરોએ ફ્લેગ મીટિંગમાં ભાગ લીધો હતો. છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ફ્લેગ મીટિંગ થઈ નથી. છેલ્લી ફ્લેગ મીટિંગ વર્ષ 2021માં થઈ હતી. પાકિસ્તાન દ્વારા સરહદ પર સતત નાપાક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. 11 ફેબ્રુઆરીએ જમ્મુ જિલ્લામાં અંકુશ રેખાના અખનૂર સેક્ટરમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટમાં કેપ્ટન સહિત બે જવાનો શહીદ થયા હતા.
એલઓસી પર બનતી ઘટનાઓ ચિંતામાં વધારો કરે છે
પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તણાવ વધારવા માટે સતત ષડયંત્ર રચી રહ્યું છે. તાજેતરના દિવસોમાં એલઓસી પર મોટાપાયે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બુધવારે એલઓસી પારથી રાજૌરીમાં ભારતીય વિસ્તારમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતે પણ પાકિસ્તાનના આ નાપાક કૃત્યનો જવાબ આપ્યો હતો. આ પહેલા પુંછ સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
સેના સતત નિયંત્રણ રેખા પર નજર રાખી રહી છે
ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે, પરંતુ બહાદુર ભારતીયો પણ દરેક વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે અને તેને દરેક વખતે હારનો સામનો કરવો પડે છે.


