- સોલા સિવિલમાં 17 માસમાં 6 હજાર બાળકોને સારવાર આપવી પડી
- હડકવાનો ચેપ લાગેલી વ્યક્તિ પાણી, લાઈટથી સતત ભયભીત રહે, અંધારામાં જ રહેવું પડે
- લોકોને કૂતરાંના ત્રાસમાંથી મુક્તિ આપવા કાગળ પર નહિ વાસ્તવિક ખસીકરણ પ્રોજેક્ટની જરૂર
શહેરમાં રખડતાં શ્વાનના આતંકનો પુખ્ત વયના લોકો કરતાં નાના બાળકો વધુ શિકાર બની રહ્યા છે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા 17 મહિનાના અરસામાં 11,444 જેટલા દર્દીઓને કૂતરા કરડવાના કેસમાં સારવાર આપવામાં આવી છે, જે પૈકી 5,453 જેટલા પુખ્ય વયના દર્દી છે જ્યારે 5,991 જેટલા બાળકો સામેલ છે, આમ 53 ટકા જેટલા બાળકો રખડતાં કૂતરાનો શિકાર બન્યા છે. અમદાવાદની શેરીઓ, પોળો, સોસાયટીઓમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ અત્યારે એ હદે વકર્યો છે કે, નાના બાળકો એકલા જતાં પણ ડર અનુભવે છે.
તબીબો કહે છે કે, બાળકોમાં મોટા ભાગના કેસમાં 14 વર્ષથી નાની વયના બાળકો શિકાર બની રહ્યા છે, એમાંય 77 ટકા કેસ એવા છે જેમાં કૂતરું કરડવાના કારણે ગંભીર રીતે ઈજા થઈ છે. સરકારી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, કૂતરાં કરડવાના મોટા ભાગના કેસમાં બાળકો શિકાર બનતાં હોય છે, એમાંય પાંચેક વખત ઈન્જેક્શન લેવાના થતાં હોય છે, એક ઈન્જેક્શનમાં અડધો ડોઝ જમણા અને બીજો ડોઝ ડાબા હાથે અપાય છે, આ સ્થિતિ બાળકોની માનસિક સ્થિતિ ખરાબ થતી હોય છે. અન્ય તબીબોનું કહેવું છે કે, ઊંડો ઘા હોય ત્યારે થોડાક સમય માટે બાળકોનો સ્વભાવમાં ચીડિયાપણું આવે છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશનું કહેવું છે કે, જો હડકાયું કૂતરું કરડે તો રેબિસનો કોઈ ઈલાજ નથી. કૂતરાનું વર્તન અચાનક બદલાય, કૂતરું એક પછી એક લોકોને કરડે, ગોળ ગોળ આંટા મારે તો એવા કૂતરાંને ઝડપથી ઝડપી લેવો હિતાવહ છે. આ પ્રકારના વર્તનથી ખબર પડી શકે છે કે, તે કૂતરું હડકાયું છે. દરેક કૂતરું હડકાયું હોતું નથી. જો હડકાયું કૂતરું કરડે તો જે તે વ્યક્તિને તાવ આવે, શરીર તૂટે, પગે બચકું ભર્યું હોય તો જાંઘ અને ગળાના ભાગે ગાંઠ થઈ જાય છે, જે તે વ્યક્તિને પાણીથી બીક લાગે છે, પાણી પણ પી શકાતું નથી એટલું જ નહિ પરંતુ લાઈટમાં પણ તે વ્યક્તિ રહી શકતી નથી, અંધારામાં જ રાખવા પડે, આવી વ્યક્તિને પણ બાંધી દેવી પડે છે, નહિતર એ વ્યક્તિ કોઈને કરડે તો બીજાને પણ હડકવો થઈ શકે. આવા કિસ્સામાં જે તે દર્દીનું મોત થતું હોય છે. લોકોને કૂતરાંના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે મજબૂત ખસીકરણ પ્રોજેક્ટ પર ધ્યાન આપવાની જરૂર છે. કૂતરાંના ત્રાસને કારણે ઘણી વાર વાહન અકસ્માતના કિસ્સા બને છે અથવા તો રસ્તા પર ચાલતી વ્યક્તિને પડી જવાના કારણે ગંભીર ઈજા થતી હોય છે અને ઘણા કિસ્સામાં આ રીતે મોત થયાંના કિસ્સા પણ સામે આવતાં હોય છે.
ઈજાવાળી જગ્યાને પાણીથી સાફ કરવી જોઈએ
કૂતરું કરડે અને ચામડી છોલાઈ જાય, લોહી વહે તેવી સ્થિતિમાં વાયરસ ઝડપથી શરીરની અંદર પ્રવેશી શકે છે, આ સ્થિતિમાં સતત પાણીથી ઈજાવાળી જગ્યાને સાફ કરવું જોઈએ, જેથી વાયરસ ફેલાતો અટકી શકે છે.
ઘોડિયામાં સૂઈ રહેલા 3 માસના બાળક પર ચાર કૂતરાઓએ હુમલો કર્યો હતો
ગત એપ્રિલ 2023માં સરખેજ સોનલ સિનેમા રોડ પર ઘોડિયામાં સૂઈ રહેલા ત્રણ મહિનાના બાળકને ચાર કૂતરાં ખેંચીને લઈ ગયા હતા અને શરીર પર બચકાં ભર્યા હતા. કૂતરાઓએ બાળકને 200 મીટર દૂર સુધી ઢસડીને એક પછી એક બચકાં ભર્યા હતા, બાળકને સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયો હતો, સારવાર બાદ માંડ બાળકનો જીવ બચ્યો હતો.


