સોમવારનો દિવસ પાકિસ્તાનના આતંકવાદીઓ માટે મૃત્યુના દિવસથી ઓછો નથી. હવે એવું લાગે છે કે સોમવાર આવતાની સાથે જ આતંકવાદીઓ ધ્રૂજવા લાગે છે અને પોતાના માટે સુરક્ષિત જગ્યા શોધવાનું શરૂ કરી દે છે. સોમવાર પાકિસ્તાન આર્મી માટે શિકારનો દિવસ બની ગયો છે અને સોમવાર આવતાની સાથે જ તે નાપાક ઈરાદાઓ સાથે આતંકવાદીઓનો શિકાર કરે છે. હાલમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટનું યજમાન બન્યું છે. તેવામાં તાજેતરમાં વિદેશી પ્રવાસીઓ જે પાકિસ્તાને પાળીને પોષીને મોટા કર્યા તે આતંકવાદીઓના નિશાને છે તેવી ઇન્ટેલિજન્સમાંથી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેને લઈ પણ પાકિસ્તાન ખૂબ અલર્ટ મોડ પર રહી આતંકવાદીઓનો સફાયો કરવામાં લાગી ચૂક્યું છે. પાકિસ્તાન હવે વૈશ્વિક પરિસ્થિતિ પારખતાં તેની છબી સુધારવા પણ પ્રયાસ કરી રહ્યું છે.
ગયા સોમવારે 30 આતંકવાદીઓ માર્યા ગયા હતા
સોમવારે પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશનમાં 10 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના એક નિવેદન અનુસાર, આતંકવાદી ગતિવિધિ વિશે બાતમી મળ્યા પછી, બાગ વિસ્તારમાં રવિવારે રાત્રે અને સોમવારે સવારની વચ્ચે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આતંકવાદીઓને શોધીને ઠાર કરવામાં આવ્યા હતા. વાત ફક્ત આ સોમવારની નથી, સોમવાર આવતાની સાથે જ પાક આર્મી તેના બિસ્ટ મોડમાં આવી જાય છે. ગત સોમવારે પાક સેનાએ તેનાથી પણ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. ગયા સોમવારે પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ પ્રાંત પખ્તુનખ્વામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. જ્યાં તેણે ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન ચલાવીને 30 આતંકીઓને ઠાર કર્યા હતા.
પાકિસ્તાનના આ બે વિસ્તારોમાં આતંકવાદી હુમલામાં વધારો
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ 2022 માં સરકાર સાથે યુદ્ધવિરામ સમાપ્ત કર્યા પછી, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં, પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે. પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝ દ્વારા તાજેતરનો સુરક્ષા અહેવાલ, ઈસ્લામાબાદ સ્થિત થિંક-ટેન્ક, આતંકવાદી હુમલાઓમાં વધારો દર્શાવે છે જે 2014ના સ્તરે પહોંચી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2024માં 95 ટકા આતંકવાદી હુમલા આ બે પ્રાંતોમાં કેન્દ્રિત હતા. સૌથી વધુ 295 હુમલા ખૈબર પખ્તુનખ્વામાં થયા છે. દરમિયાન બલૂચ વિદ્રોહી જૂથો ખાસ કરીને બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા હુમલા, બલૂચિસ્તાનમાં 171 બનાવો સાથે 119 ટકા વધ્યા છે.
ડરના માર્યા આતંકવાદીઓ ગઠબંધન કરવા લાગ્યા
પાક આર્મીના ઓપરેશનથી ડરીને હવે આતંકીઓએ ગઠબંધન કરવાનું શરૂ કરી દીધું છે. જે બાદ તેઓ અન્ય આતંકવાદી સંગઠનો સાથે મળીને પોતાના હુમલાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. કમાન્ડર મુફ્તી મુઝમ્મિલના નેતૃત્વમાં એક આતંકવાદી જૂથ, જે પેશાવરનો છે, તે હાફિઝ ગુલ બહાદુર (HGB) જૂથમાં ભળી ગયો છે. સુરક્ષા એજન્સીઓના અહેવાલો અનુસાર, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને ઉત્તર વજીરિસ્તાનમાં સક્રિય આતંકવાદી જૂથો વચ્ચે તાજેતરના સમયમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. કમાન્ડર મુફ્તી મુઝમ્મિલના આતંકવાદી જૂથે હાફિઝ ગુલ બહાદુરના નેતૃત્વવાળા જૂથ સાથે હાથ મિલાવ્યા છે. જેણે પાક સેના માટે પડકાર ઉભો કર્યો છે.


