ટી-20 ક્રિકેટમાં ટાઇબ્રેકર તરીકે સુપર ઓવરનો ઉપયોગ 16 વર્ષથી કરાય છે. પરંતુ શુક્રવારે બહેરીન અને હોંગકોંગ વચ્ચેની મેચમાં કંઈ એવું થયું હતું જે આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારેય નથી થયું.
કુઆલાલંપુરમાં હોંગકોંગ સામે બહેરીનની ટીમે સુપરઓવરમાં એક પણ રન બનાવ્યા વિના બે વિકેટ ગુમાવી હતી. મલેશિયા ટ્રાઇ સિરીઝની આ મેચમાં હોંગકોંગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી અને સાત વિકેટે 129 રન કર્યા હતા જવાબમાં બહેરીનને ઓપનર ફિયાઝ એહમદ અને પ્રશાંત કુરુપે ચાર ઓવરમાં 30 રન કરીને આક્રમક શરૂઆત અપાવી હતી જોકે, હોંગકોંગે નિયત સમયાંતરે વિકેટ ખેરવીને સ્કોરિંગ રેટ ઘટાડી દીધો હતો. બહેરીને 67 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી હતી. સુકાની અહમર બિન નાસિરના જોરે, બહેરીને મેચમાં વાપસી કરી હતી. અંતિમ ઓવરમાં ટીમને જીત માટે 13 રનની જરૂર હતી. નાસિરે નસરૂલ્લા રાણાના બોલ પર સિક્સર ફટકારીને સ્કોર બરાબરી પર લાવી મૂક્યો હતો પરંતુ મેચના અંતિમ બોલ પર સ્ટમ્પ પાછળ કીપરે તેનો કેચ ઝડપી લેતા મેચ ટાઇ પડી હતી. મેચ પછી સુપર ઓવરમાં ગઈ હતી પરંતુ સુપર ઓવરમાં નાસિર ખાતું ખોલાવી શક્યો નહોતો. હોંગકોંગના અનુભવી સ્પિનર એહસાન ખાને તેને અને સોહેલ અહેમદને સતત બે બોલમાં આઉટ કર્યા હતા. આઇસીસીના નિયમો અનુસાર સુપર ઓવરમાં બે વિકેટ પડી જવા પર ટીમની બેટિંગ સમાપ્ત થઈ જાય છે. તે બાદ હોંગકોંગે સુપર ઓવરમાં ત્રીજા બોલે જીત મેળવી હતી. બાબર હયાતે ટીમ માટે વિનિંગ રન કર્યા હતા. ટી-20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં 33મી વાર કોઈ મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. જોકે, રસપ્રદ વાત એ છે કે બહેરીન પહેલીવાર સુપર ઓવરમાં હાર્યુ છે. આ પહેલા તે બે વાર સુપર ઓવરમાં મેચ જીત્યું છે.


