વ્લાદિમીર પુતિન અને ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ હતી. યુદ્ધ વિરામ બાબતે થયેલી આ વાતચીત ચર્ચાનો વિષય બની છે. પરંતુ હાલ એક મુદ્દો સામે આવ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને લગભગ એક કલાક સુધી રાહ જોવડાવી હતી. આ પગલાને પુતિન દ્વારા પોતાની શક્તિ અને રશિયાની મજબૂત સ્થિતિ દર્શાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
પુતિને કેમ જોવડાવી રાહ ?
છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. આ યુદ્ધના કારણે અર્થતંત્ર પર ભારે અસર જોવા મળી રહી છે. યુદ્ધ શાંત કરવા માટે વિશ્વના વિવિધ દેશો પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આ મામલે અમેરિકાએ પણ હસ્તક્ષેપ કર્યો છે. અને રશિયા સાથે વાતચીત કરવા માટે પ્રયત્ન કર્યા છે. આ પ્રયત્નની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફોન કર્યો હતો. ફોન પર વાતચીત તો થઇ હતી. પણ ખરો મુદ્દો એ હતો કે આ ફોન કોલ ઉચકવા માટે રશિયાએ અમેરિકા પાસે એક કલાકની રાહ જોવડાવી હતી. ડૉનાલ્ડ ટ્રમ્પ પોતાના ચૂંટણી વચનોમાં યુદ્ધ શાંત કરવા બાબતે વાત કરી હતી. હવે આ મુદ્દાને પૂર્ણ કરવા માટે અમેરિકા તડામાર તૈયારીએ કરી રહ્યુ છે. આ માટે અમેરિકાના અધિકારીઓએ સાઉદી અરબમાં રશિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે આ મામલે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પુતિને કોઇપણ પ્રકારની ઉત્સુકતા દર્શાવી ન હતી. અને ફોન પર વાતચીત કરવા માટે પણ એક કલાક જગત જમાદાર અમેરિકાને રાહ જોવી પડી હતી.
ફોન મોડા ઉપાડી રશિયાએ શું સાબિત કર્યુ ?
રશિયન સરમુખત્યાર પુતિન મોસ્કોમાં દેશના ઉચ્ચ અધિકારીઓ સહિત રશિયન ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકોના યુનિયનના વાર્ષિક કોંગ્રેસને સંબોધિત કરી રહ્યા હતા. રશિયન મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર વાતચીત સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે થવાની હતી. સંગઠનના નેતા, એલેક્ઝાન્ડર શોખિને, તેમની ઘડિયાળ તરફ જોતા કહ્યું કે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સાંજે 6 વાગ્યા પહેલાં કોલ કરવાનું નક્કી કર્યું હતું. જે પછી પુતિને કહ્યું, “તેમની વાત સાંભળશો નહીં! આ તેમનું કામ છે,” પરંતુ તેમણે છોડવાનો કોઈ સંકેત આપ્યો નહીં. ટ્રમ્પને ફોન કોલ માટે લગભગ એક કલાક રાહ જોવડાવાથી એ સ્પષ્ટ થાય છે કે પુતિન અમેરિકા સામે પોતાને મજબૂત તરીકે રજૂ કરવા માંગે છે અને સંકેત આપવા માંગે છે કે રશિયા યુદ્ધવિરામ માટે ઉત્સુક નથી અને હજુ પણ લાંબી લડાઈ લડી શકે છે. નિષ્ણાતો માને છે કે પુતિન આમ કરવાથી પોતાની શરતો પર યુદ્ધવિરામ લાવવામાં મદદ મળશે.


