ભારતીય મૂળ ધરાવતા અમેરિકી અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પૃથ્વી પર પરત આવી ગયા છે. 8 દિવસના મિશન પર ગયેલા આ બંને અતંરિક્ષ યાત્રીઓ 9 મહિને ધરતી પર પરત ફર્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમને ધરતી પર પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા હવે બંને યાત્રીઓ ડ્રેગન કેપ્સૂલ દ્વારા ધરતી પર પરત ફર્યા છે. જયારે આ બંને યાત્રીઓ કેપ્સૂલમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમને સ્ટ્રેચર પર બહાર લાવવામાં આવ્યા. આ જોઇને મનમાં સવાલ થાય કે આ શું? સુનિતા વિલિયમ્સને સ્ટ્રેચર પર બેસાડ્યા કેમ હશે ? શું તેઓ સ્વસ્થ નથી કે તેમને પૃથ્વી પર પરત ફરતા જ સ્ટ્રેચર પર લઇ જવાયા.
શું સુનિતા વિલિયમ્સ સ્વસ્થ તો છેને ?
સૌથી પહેલા તો તમને જણાવી દઇએ કે સુનિતા વિલિયમ્સ એકદમ સ્વસ્થ છે. તેઓ બીમાર નથી. પણ હા, કેપ્સૂલમાંથી તેઓ બહાર આવે છે ત્યારે તેમને સ્ટ્રેચર પર લઈ જવાનો એક પ્રોટોકોલ છે. લાઈવ સાયન્સના મતે પૃથ્વી પર પાછા ફર્યા પછી અવકાશયાત્રીઓને સ્ટ્રેચર પર લઈ જવાની પ્રક્રિયા ISS (આંતરરાષ્ટ્રીય અવકાશ મથક) મિશન સાથે સંકળાયેલી નથી. આ એક એવો પ્રોટોકોલ છે જેનું પાલન બધા અવકાશયાત્રીઓએ કરવું પડે છે. આનું કારણ એ છે કે અવકાશમાંથી પાછા ફર્યા પછી અવકાશયાત્રીઓ તરત જ ચાલી શકતા નથી.
સુનિતાને સ્ટ્રેચર પર લઈ જવાનું કારણ શું છે?
- કેપ્સૂલમાંથી બહાર નીકળ્યા બાદ ન ચાલી શકવાનું એક કારણ પણ છે. કારણ કે અંતરિક્ષમાં તેઓ રહ્યા હોય એટલે શરીરમાં અસ્થાયી ફેરફારો જોવા મળે છે. એવામાં જ્યારે તેઓ પૃથ્વી પર પરત ફરે છે ત્યારે શારિરીક બદલાવોને ધ્યાને રાખીને સઘન સુરક્ષા પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આ કારણોસર સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવે છે.
- લાઈવ સાયન્સે નાસાના જોહ્ન્સન સ્પેસ સેન્ટરના ભૂતપૂર્વ વરિષ્ઠ વૈજ્ઞાનિક જોન ડેવિટને ટાંકીને જણાવ્યું હતું કે ઘણા અવકાશયાત્રીઓ સ્ટ્રેચર પર બહાર આવવા માંગતા નથી, પરંતુ તેમને કહેવામાં આવે છે કે તેમને સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવશે.
- આ પાછળનું બીજું કારણ એ છે કે અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફરતી વખતે ચક્કર અને ઉબકા અનુભવી શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને અવકાશયાત્રીઓ પૃથ્વી પર આવતાની સાથે જ તેમને સ્ટ્રેચર પર લઈ જવામાં આવે છે.
- ભૂતપૂર્વ વરિષ્ઠ વૈજ્ઞાનિક જોન ડેવિટ સમજાવે છે કે પૃથ્વી પર પાછા ફરતાની સાથે જ મુસાફરો ગુરુત્વાકર્ષણનો અનુભવ કરે છે અને અવકાશમાં તેઓ વજનહીન હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તેઓ પૃથ્વી પર આવે છે ત્યારે તે માહોલને અનુરૂપ થવામાં થોડો સમય લાગે છે.


