શાહબાઝ શરીફના નજીકના અધિકારીની પુત્રીએ સેરીન એરલાઇન્સની ફ્લાઇટમાં ફ્લાઇટ એટેન્ડન્ટ પર હુમલો કર્યો હતો. અને તેનું નાક તોડી નાખ્યું હતું. સીટ બેલ્ટ ન પહેરવા અને ખાવા પીવાના મુદ્દે થયેલા વિવાદ બાદ આ ઘટના બની હતી. જેના કારણે પાકિસ્તાની એરલાઇન્સનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ખરાબ થયું છે. ફ્લાઇટમાં હોબાળો કરનાર યુવતી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફના નજીકના અધિકારીની પુત્રી હોવાથી મામલો વધુ બિચકાયો છે.
ઓફિસર ઇફ્તિખાર જોગેઝાઈ અને ફ્લાઇટ એટેન્ડન્ટ વચ્ચે હંગામો
પાકિસ્તાનમાં અધિકારીની પુત્રી સાથે દલીલ કરવી એક ફ્લાઇટ એટેન્ડન્ટને મોંઘી પડી હતી. વાતચીતની વચ્ચે, અધિકારીની પુત્રીએ ફ્લાઇટ એટેન્ડન્ટનું નાક તોડી નાખ્યું હતુ. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, પાકિસ્તાની એરલાઇન્સની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના લોકો પણ એરલાઇન્સ મેનેજમેન્ટ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ ઘટના બાદ, વિભાગે નવા ફ્લાઇટ સલામતી નિયમો બનાવવાની વાત કરી છે. સરકારનું કહેવું છે કે આવી ભૂલો ફરી ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના ?
સેરેનની ફ્લાઇટ, બોઇંગ 737-800, ઇસ્લામાબાદથી કરાંચી જઈ રહી હતી. આ ફ્લાઇટમાં પાકિસ્તાનના વરિષ્ઠ અમલદાર ઇફ્તિખાર જોગેઝાઈ તેમની પુત્રી સાથે મુસાફરી કરી રહ્યા હતા. અમલદાર ક્વેટાના ભૂતપૂર્વ કમિશનર છે. પાકિસ્તાનના રાજકીય ગલિયારાઓમાં તેમનો મજબૂત દબદબો છે. પિતા અને પુત્રી ફ્લાઇટમાં ચઢ્યા પછી, એટેન્ડન્ટે તેમને સીટ બેલ્ટ પહેરવાનું કહ્યું, જે અમલદારે પોતે સ્વીકાર્યું, પરંતુ તેમની પુત્રીએ સીટ બેલ્ટ પહેરવાનો ઇનકાર કર્યો. તે જ સમયે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આખી લડાઈ ખોરાકને લઈને હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટ એટેન્ડન્ટે કહ્યું કે ફ્લાઇટ પછી ભોજન પીરસવામાં આવશે. જેના પર જોગેજાઈની પુત્રી ગુસ્સે થઈ ગઈ હતી. જ્યારે એટેન્ડન્ટે તેણીને વિમાનમાંથી નીચે ઉતરવાનું કહ્યું, ત્યારે છોકરીએ તેના નાક પર મુક્કો માર્યો. ઘટના પછી, અમલદાર અને તેમની પુત્રીને ફ્લાઇટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
અધિકારીઓએ શું આપી પ્રતિક્રિયા ?
આ ઘટના બાદ, પાકિસ્તાન એરલાઇન્સના વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર મુદ્દાને ઉકેલવામાં વ્યસ્ત છે. અધિકારીઓએ પિતા અને પુત્રીને લેખિતમાં માફી માંગવા કહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો પિતા અને પુત્રી લેખિત માફી માંગે તો તેમની સામે કોઈ કેસ નોંધવામાં આવશે નહીં. તે જ સમયે, લોકોનું કહેવું છે કે આ મામલો ગંભીર છે. તેથી કેસ નોંધવો જોઈએ અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.


