બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકારએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશે બંને નેતાઓ વચ્ચે મુલાકાત માટે ભારતને વિનંતી કરી છે. આ માહિતી ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે આપી છે.
સંસદીય સમિતિની મળી હતી બેઠક
એસ જયશંકરે શનિવારે 22 માર્ચ સંસદીય સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે આગામી પ્રાદેશિક જૂથ BIMSTEC સમિટમાં બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત માટેની વિનંતી પર વિચારણા કરવામાં આવી રહી છે.
આ વર્ષે વિદેશ બાબતોની સંસદીય સલાહકાર સમિતિની પહેલી બેઠકમાં ઘણા સાંસદોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી અને પૂછ્યું કે ભારત આ સંદર્ભમાં શું પગલાં લઈ રહ્યું છે. એસ જયશંકરે સભ્યોને જણાવ્યું હતું કે ઢાકાની વચગાળાની સરકારે દાવો કર્યો છે કે હિન્દુઓ પરના હુમલા “રાજકીય રીતે પ્રેરિત” હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે સાંસદોને બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર અને શ્રીલંકા સાથેના સંબંધો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાન અને ચીન વિશે પછીથી અલગથી વાત કરશે.
‘પાકિસ્તાનના કારણે SAARC નિષ્ક્રિય છે’
જયશંકરે બેઠકમાં એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનના વલણને કારણે SAARCનિષ્ક્રિય છે અને તેથી ભારત BIMSTEC (બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) ને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તેમણે સંકેત આપ્યો કે વડા પ્રધાન મોદી 2 થી 4 એપ્રિલ દરમિયાન બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં હાજરી આપી શકે છે. જોકે બેઠકમાં આ મુલાકાતની પુષ્ટિ કરવામાં આવી ન હતી. વિદેશ મંત્રીએ બેઠકમાં એ પણ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી મોદી આવતા મહિને શ્રીલંકાની મુલાકાત લેશે.
શું પીએમ મોદી મોહમ્મદ યુનુસને મળશે?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વડા પ્રધાન બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસને મળશે? ને BIMSTEC સમિટ દરમિયાન તેમની સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે ? ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ન હતી અને કહ્યું હતું કે તેના પર વિચારણા ચાલી રહી છે.
કેસી વેણુગોપાલ, મનીષ તિવારી (બંને કોંગ્રેસ), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના-યુબીટી) અને મુકુલ વાસનિક (કોંગ્રેસ) સહિત અનેક સાંસદોએ હિન્દુઓની ટાર્ગેટ કિલિંગનો મુદ્દો ઉઠાવ્યો અને પૂછ્યું કે સરકાર આવા હુમલાઓને રોકવા માટે શું કરી રહી છે.એસ જયશંકરે કહ્યું કે સરકાર બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર સાથે વિવિધ સ્તરે વાતચીત કરી રહી છે અને આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર આ મુદ્દાને વધુ ઉઠાવતી રહેશે.
વિદેશ મંત્રીએ પોસ્ટ શેર કરી
એસ જયશંકરે X પર સાંસદો સાથેનો ફોટો શેર કર્યો અને પોસ્ટમાં કહ્યું કે પી માર્ગેરિટા, મનીષ તિવારી, વૈકો, વિક્રમ સાહની, કેસી વેણુગોપાલ, કેસરી દેવ સિંહ વાંકાનેર, અનિલ ફિરોઝિયા, અબ્દુસ્સમદ સમદાની, જીકે વાસન, પ્રિયંકા ચતુર્વેદી, મુકુલ વાસનિક અને ગુરજીત સિંહ ઔજલાનો તેમની સક્રિય ભાગીદારી બદલ આભાર.” અગાઉ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ અને શ્રીલંકા સાથે ભારતના સંબંધો પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.


