પાકિસ્તાનમાં દુષ્કાળની સ્થિતી પેદા થઇ છે. આ પરિસ્થિતીમાં પંજાબ અને સિંધ પ્રાંતમાં પાણી મુદ્દે વિવાદ સર્જાયો છે. પંજાબમાં સિંધુ નદીના પાણીનો વધુ હિસ્સો મળતા સિંધ પ્રાંતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. પાકિસ્તાનમાં જળ સંકટ પેદા થવા માટે સરકારની બેજવાબદારીને કારણભૂત માનવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાનમાં મૌસમ વિભાગે જણાવ્યુ છે કે, દેશમાં આ વર્ષે 4 મોટા પ્રાંતમાં જળ સંકટ સર્જાયુ છે.
પાકિસ્તાનમાં ભારે જળ સંકટ
પાકિસ્તાનમાં જળ સંકટ મામલે ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવે આ મુદ્દે પંજાબ અને સિંધ પ્રાંત આમને સામને આવી ગયા છે. બંને પ્રાંતમાં સિંધુ નદીના જળ મામલે વિવાદ જોવા મળી રહ્યો છે. કારણ કે પંજાબમાં સિંધુ નદીના પાણીનો વધુ હિસ્સો આપવામાં આવ્યો છે. અને બીજી તરફ, સિંધ પ્રાંતમાં નદીના પાણીનો ઓછો ભાગ ફાળવવામાં આવ્યો છે. પંજાબમાં પીએમએલએનની સરકાર છે. અને ત્યાં નવાઝ શરીફના પુત્રી મરીયમ શરીફ મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. તો સિંધ પ્રાંતમાં બિલાવલ ભુટ્ટોની સરકાર કાર્યરત છે. અને ત્યાં મુરાદ અલી શાહ મુખ્યમંત્રી છે. આ મામલો એટલો વધી ગયો છે કે બંને પક્ષના લોકોએ એકબીજાની સામે તલવારો ખેંચી છે. પાણી મુદ્દે ન તો મરીયમ શરીફના લોકો અને ન તો બિલાવટ ભુટ્ટોના લોકો પડતુ જોવા તૈયાર છે. પાણીએ હવે દુશ્મનીની આગ લગાવી હોય તેમ દેખાઇ રહ્યુ છે.
પાકિસ્તાનમાં સુકાઇ ગયા ડેમ
પાકિસ્તાનમાં મૌસમ વિભાગે જણાવ્યુ છે કે, દેશમાં આ વર્ષે 4 મોટા પ્રાંતમાં જળ સંકટ સર્જાયુ છે. સિંધ પ્રાંતમાં તો હમણાથી જ ડેમ તળિયા ઝાટક થઇ રહ્યા છે. કરાંચી જેવા મોટા શહેરમાં હમણાથી જ પાણીના ટેંકરો માફિયા સક્રિય થયા છે. આ વખતે ગરમીના કારણે સ્થિતી અતિ વિકટ બનતી દેખાઇ રહી છે. પાકિસ્તાનમાં પાણીના સંકટ માટે વધતી વસ્તી, આબોહવા પરિવર્તન અને સરકારી ગેરવહીવટ જવાબદાર છે. પાકિસ્તાન સરકારે પાણીના સંકટને સમાપ્ત કરવા માટે 42 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
સિંધ અને પંજાબ વચ્ચેનો સમગ્ર પાણી વિવાદ
પાકિસ્તાન સરકારે 1991ની જળ સંધિ હેઠળ સિંધુ નદીમાંથી એકસાથે અનેક નહેરો બનાવવાનો નિર્ણય લીધો છે. આ નહેરોના નિર્માણથી પંજાબ સિંધુ નદીનું પાણી સરળતાથી મેળવી શકશે. અત્યાર સુધી સિંધ નદીમાંથી સૌથી વધુ પાણી સિંધને મળતું હતું. પંજાબ પ્રાંતમાં નવાઝ શરીફની સરકાર સત્તામાં છે. એ જ રીતે, કેન્દ્રમાં, નવાઝના નાના ભાઈ શાહબાઝ શરીફ વડા પ્રધાન પદ પર છે. સિંધના લોકો કહે છે કે અમારા અધિકારો જાણી જોઈને પંજાબના લોકોને આપવામાં આવી રહ્યા છે. આ અંગે સિંધમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. સિંધના મુખ્યમંત્રીએ સમગ્ર મામલા અંગે વડાપ્રધાન શાહબાઝ શરીફનો સંપર્ક કર્યો છે. મુખ્યમંત્રી કહે છે કે જો પીએમ તાત્કાલિક હસ્તક્ષેપ નહીં કરે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. બીજી તરફ, પંજાબના માહિતી અને પ્રસારણ મંત્રી આઝમા બુખારી કહે છે કે અમારા પ્રાંતમાં પાણીની અછત છે. ગયા વખતની સરખામણીમાં આ વખતે પાણીના સંગ્રહમાં 41 ટકાનો ઘટાડો થયો છે. જો હવે આ તરફ ધ્યાન નહીં આપવામાં આવે તો સંકટ વધી શકે છે.


