ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકામાં અભ્યાસ કરતા સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ (DOS) તરફથી ચોંકાવનારા ઈમેલ મળ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે તેનો F-1 વિઝા એટલે કે સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવ્યો છે. ઈમેલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેણે પોતે જ દેશ છોડવો પડશે. કેમ્પસ એક્ટિવિઝમ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીને કારણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓને જ નિશાન બનાવવામાં આવ્યા ન હતા. વાસ્તવમાં, ઘણા વિદ્યાર્થીઓ કે જેમણે રાષ્ટ્ર વિરોધી પોસ્ટને લાઇક અથવા શેર કર્યું છે તેમને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર ઘણા ભારતીય વિદ્યાર્થીઓ માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરવા જેવી બાબતો માટે આ કાર્યવાહીની ઝપેટમાં આવ્યા છે . ઈમિગ્રેશન વકીલોએ આ વાતની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર અમેરિકામાં 11 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 3.31 લાખ ભારતીય છે. એમાંથી ઘણા એવા છે જેના કરીયર પર લટકતી તલવાર છે.
અમેરીકાના વિદેશ મંત્રીએ આપી ચેતવણી
યુએસ તરફથી આ વલણ વિદેશ મંત્રી માર્કો રુબિયોનીની જાહેરાત બાદ શરૂ થયુ છે, જેમાં તેમણે કહ્યું હતું કે ‘રાષ્ટ્ર વિરોધી’ ગતિવિધિઓમાં પકડાયેલા ઘણા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવશે. ગુયાનામાં ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રૂબિયોએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે, લગભગ 300 થી વધુ વિઝા રદ્દ થઈ ગયા છે. અમે દરરોજ આ કરીએ છીએ. જ્યારે પણ અમને આવા પાગલ મળે છે, અમે તેના વિઝા છીનવી લઈએ છીએ. દરેક દેશને તે નક્કી કરવાનો અધિકાર છે કે તેના મહેમાન તરીકે કોણ આવશે અને કોણ નહીં.
યુ.એસ. પરત ફરતા તેમના વિમાનમાં, રૂબિયોએ ખુલાસો કર્યો કે 300 રદ કરાયેલા વિઝામાં વિદ્યાર્થી અને મુલાકાતી વિઝાનો સમાવેશ થાય છે. તેણે કહ્યું, ‘હું અંગત રીતે દરેક નિયમ પર સાઈન છું. આશા છે કે એક દિવસ આ ગાંડપણનો અંત આવશે.
ઈ-મેલમાં શું કહેવામાં આવ્યું છે
વિદ્યાર્થીઓને મળેલા ઈમેલમાં તેમને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 10 માર્ચે લોન્ચ કરવામાં આવેલી CBP હોમ એપ દ્વારા પોતાને દેશનિકાલ કરવા માટે કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને મળેલા ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે, ‘US સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઓફ કોન્સ્યુલર અફેર્સ તમને જણાવતા આનંદ થાય છે કે તમારા વિઝા જાહેર થયા બાદ નવી માહિતી આપવામાં આવી છે. જેથી તમારી F-1 વિઝા, જેની અંતિમ તારીખ XXXXXX છે, તે ઇમિગ્રેશન અને નેશનાલિટી એક્ટની કલમ 221(i) હેઠળ રદ કરવામાં આવી છે.’ ઈમેલમાં ચેતવણી આપવામાં આવી હતી કે માન્ય વિઝા વિના યુએસમાં રહેવાથી દંડ, અટકાયત અથવા દેશનિકાલ થઈ શકે છે. નોટીસ આપવામાં આવી છે કે દેશનિકાલ અચાનક થઈ શકે છે, જેમાં તમને તમારો સામાન ભેગો કરવાનો અથવા કામ પૂર્ણ કરવાનો સમય નહીં મળે. તમને તમારા દેશ સિવાય બીજે ક્યાંક પણ મોકલી શકાય છે.


