ટેરિફ વોરના કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પણ અર્થતંત્રને ઉંડી અસર પહોંચી છે. શેર માર્કેટ ઊંધા માથે પછડાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને મોટો ઝટકો લાગ્યો છે. તેમની સંપત્તિમાં આ વર્ષે 153 અરબ ડૉલરનું નુકસાન થયુ છે. આ ટેરિફના કારણે મસ્કની કંપનીને મોટું નુકસાન થયુ છે. સંપતિમાં ઘટાડો અને વેપારમાં થઇ રહેલા નુકસાનને જોતા એલોન મસ્કે ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક યોજી ટેરિફ હટાવવા અપીલ કરી છે.
જ્યારે એલોન મસ્કને લાગ્યો આંચકો
ટેસ્લાના સીઇઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિએન્સીના ચીફ એલોન મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે ટેરિફ મુદ્દે બેઠક યોજી હતી. અને ટરિફ હટાવવા માટે વિનંતી પણ કરી છે. પરંતુ પોતાના નિર્ણય પર અડીખમ ઉભા રહેનાર ટ્રમ્પે આ વિનંતીને નકારી કાઢી છે. ચીન તરફથી આવનાર સામાન પર ટ્રમ્પે 50 ટકા ટેરિફ લાદ્યો છે. જેનો એલોન મસ્કે વિરોધ કર્યો હતો. પરંતુ ટેરિફના વાવાઝોડામાં દુનિયાના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચી રહ્યુ છે.
મસ્ક અને ટ્રમ્પ આમને-સામને
એલોન મસ્ક અને ડૉનાલ્ડ ટ્ર્મ્પ વચ્ચેની કોલ્ડ વોર ત્યારે સામે આવી જ્યારે ચીન તરફથી આવતા સામાન પર 50 ટકા ટેરિફ લગાવાયુ. આ ટેરિફ અગાઉથી જાહેર કરેલા 34 ટકા સિવાયનું હતુ. તો આ તરફ, મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અર્થશાસ્ત્ર મિલ્ટન ફ્રિડમૈન છે. આ વીડિયોમાં અર્થશાસ્ત્ર મિલ્ટન ફ્રિડમૈન કહી રહ્યા છે કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય વેપાર તમામને લાભ આપે છે. અને વધારવામાં આવેલો ટેરિફ વૈશ્વિક સહયોગ માટે હાનિકારક છે. ઇટાલીના નાયબ વડા પ્રધાન માટ્ટેઓ સાલ્વિની સાથે વાત કરતા એલોન મસ્કે કહ્યું, ‘અંતે મને આશા છે કે એક કરાર થશે કે યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ બંને આદર્શ રીતે મારા મતે શૂન્ય-ટેરિફ પરિસ્થિતિ તરફ આગળ વધશે.’ રાષ્ટ્રપતિને મારી આ સલાહ રહી છે. અગાઉ, એલોન મસ્કે ટેરિફ નીતિ માટે જવાબદાર વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નાવારોની પણ મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું કે હાર્વર્ડમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી મેળવવી એ ખરાબ બાબત છે, સારી બાબત નથી. દરમિયાન, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે કહ્યું, ‘રાષ્ટ્રપતિએ અત્યંત પ્રતિભાશાળી અને અનુભવી વ્યક્તિઓની એક નોંધપાત્ર ટીમ બનાવી છે.’ આ લોકો વિવિધ વિચારો રજૂ કરે છે. એ જાણીને કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ અંતિમ નિર્ણય લેશે.


