ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના ફેન્સ આખી દુનિયામાં છે. તેનો ક્રેઝ પાકિસ્તાન જેવા દેશમાં પણ જોઈ શકાય છે, જે ઘણીવાર ભારતનું ખરાબ બોલે છે.
ભારતમાં રમાઈ રહેલી IPL 2025 ની જેમ, પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025 હાલમાં પડોશી દેશ પાકિસ્તાનમાં ચાલી રહી છે. આ લીગમાં સોમવારે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈસ્લામાબાદ યુનાઈટેડ અને પેશાવર ઝાલ્મી વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં વિરાટનો ક્રેઝ જોવા મળ્યો હતો.
આ મેચમાં વિરાટનો એક ફેન પણ જોવા મળ્યો હતો, જેની જર્સી પર તેનો આઈકોનિક નંબર 18 લખેલો હતો. આ ફેનનો ફોટો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ મેચમાં ઈસ્લામાબાદે પેશાવરને 102 રને હરાવ્યું. આ સિઝનમાં PSL મેચ દરમિયાન વિરાટનો કોઈ ફેન જોવા મળ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી.
પાકિસ્તાનમાં વિરાટ કોહલીના ઘણા ફેન
શનિવારે મુલતાન સુલ્તાન્સ અને કરાચી કિંગ્સ વચ્ચેની મેચ પહેલા, કરાચીના નેશનલ સ્ટેડિયમની બહાર એક ફેનનો ફોટો વાયરલ થયો હતો, જેમાં તે કોહલીનું નામ અને પાછળ તેનો આઈકોનિક નંબર 18 ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જર્સી પહેરેલો જોવા મળ્યો હતો.
IPL 2025માં કોહલીનું બેટ ચાલી રહ્યું છે જોરદાર
કોહલી વિશે વાત કરીએ તો, તે હાલમાં IPL 2025 માં બિઝી છે, જ્યાં તે RCB તરફથી રમી રહ્યો છે. દર વખતની જેમ, આ સિઝનમાં પણ વિરાટનું બેટ જોરદાર રીતે કામ કરી રહ્યું છે. તેને અત્યાર સુધીમાં છ મેચોમાં 62ની પ્રભાવશાળી એવરેજ અને 143થી વધુના સ્ટ્રાઈક રેટથી 248 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અર્ધશતકનો સમાવેશ થાય છે.
ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની લિસ્ટમાં વિરાટ પાંચમા ક્રમે છે. ટીમની વાત કરીએ તો, RCB 6 મેચમાં 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આ સિઝનમાં ટીમના શાનદાર પ્રદર્શનનું એક કારણ વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ પણ છે.


