IPL 2025માં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહેલા આ ભારતીય ક્રિકેટરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે માર્ચ મહિનાનો પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ જીત્યો છે. શ્રેયસ ઐયરે ન્યુઝીલેન્ડના જેકબ ડફી અને રચિન રવિન્દ્રને હરાવીને આ એવોર્ડ જીત્યો છે.
શ્રેયસ ઐયરનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન
શ્રેયસ ઐયર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ 243 રન બનાવનાર ખેલાડી હતો અને તેને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઐયરે આ એવોર્ડ જીત્યો એટલે કે ભારતે આ એવોર્ડ સતત બે વાર જીત્યો છે. શુભમન ગિલે ફેબ્રુઆરી મહિના માટે આ એવોર્ડ જીત્યો. ઈતિહાસમાં આ બીજી વાર છે જ્યારે બે ભારતીય પુરુષ ખેલાડીઓએ સતત આ પુરસ્કાર જીત્યો છે.
ઐયરે માર્ચ મહિનામાં 3 મેચમાં 57.33 ની એવરેજથી 172 રન બનાવ્યા. તેને ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ સામે 98 બોલમાં 79 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. તેને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેને 62 બોલમાં 45 રન અને ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 62 બોલમાં 48 રન બનાવ્યા હતા.
ઈતિહાસમાં આ બીજી વખત બન્યું
2021 માં પહેલી વાર, પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ સતત 3 ભારતીય પુરુષ ખેલાડીઓએ જીત્યો. જાન્યુઆરી માટે રિષભ પંત, ફેબ્રુઆરી માટે રવિચંદ્રન અશ્વિન અને માર્ચ માટે ભુવનેશ્વર કુમારને આ એવોર્ડ મળ્યો. ત્યારથી ક્યારેય એવું બન્યું નથી કે ICC દ્વારા આ એવોર્ડ ભારતીય ખેલાડીઓને સતત બે વાર આપવામાં આવ્યો હોય. હવે ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે.
શ્રેયસ ઐયર પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ
ફેબ્રુઆરી 2022
માર્ચ 2025
જ્યોર્જિયા વોલ બની ICC મહિલા પ્લેયર ઓફ ધ મન્થ
ગયા વર્ષે ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર જ્યોર્જિયા વોલે મહિલા કેટેગરીમાં આ એવોર્ડ જીત્યો છે. વોલે આ એવોર્ડ પોતાના દેશબંધુ સિનિયર એનાબેલ સધરલેન્ડ અને યુએસએના ચેતના પ્રસાદને હરાવીને જીત્યો. માર્ચમાં, ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 3-0થી હરાવ્યું, જેમાં 21 વર્ષીય વોલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
વોલે પહેલી મેચમાં 31 બોલમાં 50 રન, બીજી T20 મેચમાં 20 બોલમાં 36 રન અને અંતિમ મેચમાં 57 બોલમાં 75 રન બનાવ્યા. મહિલા વર્ગમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ સતત ચાર વખત આ એવોર્ડ જીત્યો છે.


