અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ પોતાના પરિવાર સાથે ચાર દિવસ ભારત પ્રવાસ પર છે. આજે સવારે દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જેના બાદ જેડીવાન્સ તેમના પરિવાર સાથે દિલ્હીના અક્ષરધામ મંદિર પંહોચ્યા છે. અક્ષરધામ મંદિરની મુલાકાત દરમિયાન જેડીવાન્સના બે બાળકો પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા. વાન્સના બંને બાળકોએ ભારતીય પરંપરાગત પોશાક પહેર્યો હતો. આ બાબત દર્શાવે છે કે ભારતીય મૂળના ઉષા હજુ પણ તેમની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. અમેરિકામાં રહેવા છતાં ભારતની સંસ્કૃતિથી મૂળ રૂપે પરિચિત છે. જણાવી દઈએ કે જેડીવાન્સના પત્ની ભારતીય મૂળના છે અને એટલે જ મંદિર જેવા ધાર્મિક સ્થાન પર જવા માટે તેમના સંતાનોને પહેલેથી જ ભારતીય સંસ્કૃતિ મુજબનો પોશાક પહેર્યો હતો. જેડીવાન્સ અક્ષરધામ મંદિર ઉપરાંત પરંપરાગત ભારતીય હસ્તકલા વસ્તુઓ વેચતા શોપિંગ કોમ્પ્લેક્સની પણ મુલાકાત લઈ શકે છે.
પીએમ મોદી સાથે કરશે મુલાકાત
ભારત પ્રવાસના પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ વાન્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સોમવારે સાંજે 6.30 વાગ્યે પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન વચ્ચે બંને દેશો વચ્ચેનો સંબંધો વધુ ગાઢ કરવા મુદ્દે વાતચીત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સાંજે 7 લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના સત્તાવાર નિવાસસ્થાને ઉપરાષ્ટ્રપતિ વાન્સનું સ્વાગત કરશે. જેડી વાન્સની આ મુલાકાત ખૂબ જ ખાસ છે કારણ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરે સમગ્ર દુનિયામાં આતંક મચાવ્યો છે. આવી સ્થિતિમાં, પીએમ મોદી અને વેન્સ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિવાદ પછી આ આ મુલાકાત ખૂબ જ ખાસ બનવાની છે. મહત્વનું છે કે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે.
દેશના ઐતિહાસિક સ્થાનોની મુલાકાત લેશે
નોંધનીય છે કે ભારતના ચાર દિવસના પ્રવાસ પર આવેલા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડીવાન્સ આજે સવારે ભારતીય સમય મુજબ સવારે દિલ્હી એરપોર્ટ પર પંહોચી ગયા હતા. જ્યાં પ્રોટોકોલ મુજબ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આજે 21 એપ્રિલે દિલ્હીમાં જેડીવાન્સ અને પીએમ મોદી સાથે થનાર બેઠકમાં અમેરિકાના પાંચ સભ્યોનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની સાથે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયંશકર હાજર રહે તેવી શકયતા છે. જેડી વાન્સ 21 એપ્રિલથી 24 એપ્રિલના ચાર દિવસના પ્રવાસમાં દેશના ઐતિહાસિક સ્થાનોની પણ મુલાકાત લેશે. પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ આગ્રામાં તાજમહેલ અને લાલ કિલ્લાની મુલાકાત લીધા બાદ જયપુર જશે અને ત્યાંથી 24 એપ્રિલના રોજ સવારે અમેરિકા પરત ફરશે.


