ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને તેને ધ્યાનમાં રાખીને, ભારતમાં રમાઈ રહેલી IPL 2025 સીઝનની બાકીની મેચો ફરીથી શેડ્યૂલ કરવા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ થયા બાદ, BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલની એક કટોકટી બેઠક યોજાઈ હતી જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ભારતીય બોર્ડ હવે આ બાબતે શુક્રવાર, 9 મે ના રોજ નિર્ણય લેશે.
6-7 મેની રાત્રે ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે તણાવ શરૂ થયો. આ પછી, ગુરુવારે સાંજે, પાકિસ્તાને અચાનક ભારત પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો, જેને ભારતીય સુરક્ષા દળોએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. તે જ સમયે, IPL 2025 ની 58મી મેચ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી હતી. પરંતુ મેચ માત્ર 10 ઓવર પછી રદ કરવામાં આવી.
મેચ દરમિયાન હાજર રહેલા IPL ચેરમેન અરુણ સિંહ ધુમલ સ્ટેડિયમમાં પ્રવેશ્યા અને દર્શકોને પાછા જવાની અપીલ કરી, ત્યારબાદ બધા દર્શકો HPCA સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા. આના થોડા સમય પછી, BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ, જેમાં આઈપીએલની બાકી રહેલી મેચોના સમયપત્રક પર વિચાર કરવામાં આવ્યો હતો કે ટુર્નામેન્ટનું આગળ આયોજન કરવું જોઈએ કે નહીં. અહેવાલો અનુસાર, આ મુદ્દા પર નિર્ણય હવે શુક્રવારે લેવામાં આવશે.
IPL 2025 માં કુલ 74 મેચ રમવાની છે, જેમાંથી અત્યાર સુધીમાં 58 મેચ પૂર્ણ થઈ ગઈ છે. ટુર્નામેન્ટમાં લીગ સ્ટેજની માત્ર થોડી જ મેચ બાકી છે, ત્યારબાદ ફાઇનલ સહિત 4 પ્લેઓફ મેચ રમવાની બાકી છે. આવી સ્થિતિમાં, ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવશે અથવા આ સિઝન રદ કરવામાં આવશે એ જોવાનું બાકી રહ્યું.


