પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સંસદમાં બાલિશ નિવેદન આપીને ફરી એકવાર પોતાને શરમજનક સ્થિતિમાં મૂક્યા છે. તેમણે પાકિસ્તાની સેનાના ભારતીય ડ્રોનને તોડી પાડવાના દાવાને નકારી કાઢ્યો. આ માટે તેમણે દલીલ કરી હતી કે આ એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી પાકિસ્તાનના હવાઈ સંરક્ષણ એકમોના સ્થાનો ભારતીય સેનાને જાહેર ન થાય. તેમણે કહ્યું કે હવાઈ સંરક્ષણ એકમોને બચાવવા માટે ભારતના ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં આવ્યા ન હતા.
ખ્વાજા આસિફે સેનાને શરમજનક સ્થિતિમાં મૂકી
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે ડ્રોન હુમલો આપણા હવાઈ સંરક્ષણ એકમોના સ્થાનો શોધવા માટે કરવામાં આવ્યો હતો. આ એક ટેકનિકલ બાબત છે જેને હું સ્પષ્ટ રીતે સમજાવી શકતો નથી. અમારા હવાઈ સંરક્ષણ એકમોનું સ્થાન લીક ન થાય તે માટે અમે ડ્રોનને રોક્યું નહીં. ભારતે અનેક શહેરોમાં પાકિસ્તાનના હવાઈ સંરક્ષણ એકમોને નિશાન બનાવ્યા. જેના કારણે પાકિસ્તાની વાયુસેનાને ગંભીર નુકસાન થયું અને લાહોરમાં એક વાયુ સંરક્ષણ એકમ નાશ થયુ હતુ. ભારતે આ હુમલાઓમાં ઇઝરાયલ દ્વારા વિકસિત હાર્પી કામિકાઝ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા પાકિસ્તાની સેનાએ બુધવાર રાતથી અત્યાર સુધીમાં 25 ભારતીય ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો હતો.
સેનાના પ્રવક્તાએ શું કહ્યુ ?
જોકે, સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ સ્વીકાર્યું કે રાવલપિંડી, લાહોર અને કરાચી નજીકના અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. આ ડ્રોન હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો. 7 મેના રોજ ભારત-પાકિસ્તાન સંઘર્ષની શરૂઆત થઈ ત્યારથી, ખ્વાજા આસિફ તેમના વિવાદાસ્પદ નિવેદનોને લઇને ચર્ચાનો વિષય બન્યા છે.
રક્ષામંત્રીનું બેજવાબદારીભર્યુ નિવેદન
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખા પર ભારતીય વાયુસેનાના હુમલાઓને પગલે ખ્વાજા આસિફ પોતાના નિવેદનોને કારણે મજાકનો વિષય બન્યા છે. એક મુલાકાત દરમિયાન તેમણે પાકિસ્તાનના દાવા પર ભાર મૂક્યો કે તેણે પાંચ ભારતીય લડાકુ વિમાનોને સફળતાપૂર્વક તોડી પાડ્યા છે. જ્યારે આનો પુરાવો માંગવામાં આવ્યો ત્યારે આસિફે જવાબ આપ્યો કે આ બધા પુરાવા ભારતીય સોશિયલ મીડિયા પર જોવા મળશે.


