ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCIએ 9 મેના રોજ IPL 2025ને એક અઠવાડિયા માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી ફેન્સના મનમાં એક સવાલ છે કે, શું IPL હવે ફરી શરૂ થશે કે નહીં? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ IPL 2025 ફરી શરૂ કરવા માટે 4 શહેરોના નામો પર વિચાર કરી રહ્યું છે.
આ 4 શહેરો પર વિચારણા કરવામાં આવી
અહેવાલ મુજબ, એક સૂત્રએ દાવો કર્યો હતો કે ‘આવા કિસ્સાઓમાં એક અઠવાડિયું ખૂબ લાંબો સમય હોય છે. બોર્ડ આકસ્મિક યોજનાઓ બનાવી રહ્યું છે. પરંતુ શરૂઆતના સંકેતો છે કે જો લીગ આવતા અઠવાડિયે ફરી શરૂ થાય છે તો BCCI કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા શહેરોમાં બાકીની IPL મેચોનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે.
જો સરહદ પર પરિસ્થિતિ સામાન્ય થાય છે તો બોર્ડ મૂળ સ્થળો પણ જાળવી શકે છે. મેચો મુલતવી રાખતી વખતે IPLએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્તમાન IPL 2025ની બાકીની મેચોને તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ટુર્નામેન્ટના નવા સમયપત્રક અને સ્થળો અંગે વધુ માહિતી સંબંધિત અધિકારીઓ અને હિસ્સેદારો સાથે પરામર્શ કરીને પરિસ્થિતિનું વ્યાપક મૂલ્યાંકન કર્યા પછી યોગ્ય સમયે આપવામાં આવશે.’
IPL 2025માં 16 મેચો બાકી
IPL 2025માં હજુ 16 મેચો રમવાની બાકી છે. જેમાંથી 12 લીગ મેચો અને 4 નોકઆઉટ મેચો છે. IPL 2025ની ફાઇનલ 25 મે ના રોજ રમવાની હતી.


