બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયાં છે. જેમાં NDAને ઐતિહાસિક બહુમતિ પ્રાપ્ત થઈ છે અને મહાગઠબંધનને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ પરિણામોને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બિહારના પરિણામો ચોંકાવનારા છે અમે ઊંડાણપૂર્વક તેની સમીક્ષા કરીશું.
લોકતંત્રને બચાવવા માટેના પ્રયાસોને વધુ પ્રભાવી બનાવશે
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બિહારના કરોડો મતદારોનો હું આભાર માનું છું. જેમણે મહાગઠબંધન પર ભરોસો રાખ્યો. બિહારના આ પરિણામો ખરેખર ચોંકાવનારા છે. અમે એક એવી ચૂંટણીમા જીતી ના શક્યા જે પહેલેથી જ નિષ્પક્ષ નહોતી. આ લડાઈ સંવિધાન અને લોકતંત્રની રક્ષાની છે.કોંગ્રેસ પાર્ટી અને મહાગઠબંધન સાથે મળીને આ પરિણામોની સમીક્ષા કરશે. તેમજ લોકતંત્રને બચાવવા માટેના પ્રયાસોને વધુ પ્રભાવી બનાવશે.
લોકતંત્રને કમજોર કરનારી તાકાતો સામેની લડાઈ ચાલુ રાખીશું- મલ્લિકાર્જુન ખરગે
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું હતું કે, અમે બિહારની જનતાના નિર્ણયનુ સમ્માન કરીએ છીએ. બીજી તરફ સંવિધાનિક સંસ્થાઓનો દુરૂપયોગ કરીને લોકતંત્રને કમજોર કરનારી તાકાતો સામેની લડાઈ ચાલુ રાખીશું. આ પરિણામોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરીશું. બિહારના મતદારોએ ગઠબંધનનો સાથ આપ્યો તેમનો અમે આભાર માનીએ છીએ. કોંગ્રેસના દરેક કાર્યકર્તાને કહેવા માગુ છું કે તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે પક્ષની આન બાન અને શાન છો.


