સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાનું મંદિર બની છે. અહીં ૨૮ વર્ષીય બ્રેઇન્ડેડ યુવકના અંગોનું સફળતાપૂર્વક દાન કરવામાં આવ્યું છે, જેના થકી ત્રણ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. મૂળ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના માહિમ ગામના રહેવાસી અક્ષય વિલાસ પાટિલને બાઈક સ્લીપ થવાના કારણે ગંભીર ઈજા પહોંચી હતી.
અંગોનું દાન કરવાનો શ્રેષ્ઠ નિર્ણય લીધો
ડૉક્ટરો દ્વારા તમામ પ્રયાસો છતાં તેમને બ્રેઇન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં, અક્ષય વિલાસના પરિવારે અત્યંત માનવતાવાદી અભિગમ દાખવીને તેમના અંગોનું દાન કરવાનો શ્રેષ્ઠ નિર્ણય લીધો હતો. અક્ષયના લિવર અને બે કીડનીનું દાન કરવામાં આવ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલમાં 84મું સફળ અંગદાન
આ અંગદાન સાથે, સુરતની નવી સિવિલ હોસ્પિટલે અત્યાર સુધીમાં 84મું સફળ અંગદાન પૂરું કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ દાન થકી અન્ય જરૂરિયાતમંદ ત્રણ વ્યક્તિઓના જીવનમાં નવી આશાનું કિરણ પ્રગટ્યું છે. અક્ષય વિલાસ પાટિલનો પરિવાર સમગ્ર સમાજ માટે પ્રેરણાનું ઝરણું બન્યો છે.


