અમરેલી જિલ્લાના જાળિયા ગામ ખાતે માલધારીઓએ ગૌચરની જમીન બચાવવા માટે અનોખો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગાવડકાથી બગસરા સુધીના નવા રોડના બાંધકામ માટેની માટી ગૌચરની જમીનમાંથી ખોદીને લેવામાં આવતા માલધારીઓ રોષે ભરાયા છે.
ગૌચરની જમીનમાંથી માટી લેવાનો વિરોધ
જાળિયા ગામના માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે, ગાવડકાથી બગસરા સુધી બની રહેલા નવા રોડના કામમાં માટીની જરૂરિયાત પૂરી કરવા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચરની જમીનનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આનાથી પશુધન માટેનું ઘાસચારો અને ચરિયાણ ક્ષેત્ર જોખમમાં મુકાયું છે.
1500-2000 માલઢોર સાથે વિરોધ પ્રદર્શન
પોતાના પશુઓના હક અને ગૌચરની જમીન બચાવવા માટે માલધારીઓએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં આશરે 1500 થી 2000 જેટલા માલઢોર (પશુઓ) ને સાથે રાખીને માલધારીઓએ ગૌચરની જમીન પર જ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. માલધારીઓએ ગૌચર બચાવોના સૂત્રોચ્ચાર કરીને જમીનનું ખોદકામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી. માલધારીઓએ જણાવ્યું કે તેમણે અગાઉ કલેક્ટર અને પ્રાંત અધિકારીને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ તેમને કોઈ ન્યાય ન મળતા આખરે વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો છે.
આ પણ વાંચો: વલભીપુર રોડની દયનીય હાલત, ગ્રામજનોનો આક્રોશ, 2 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી


