ઇથિયોપિયાનો હેલી ગુબ્બી જ્વાળામુખી, જે 12000 વર્ષથી શાંત હતો, તે 24 નવેમ્બરની સવારે અચાનક ફાટી નીકળ્યો છે. આ ઘટનાએ સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો અને ઉડ્ડયન નિષ્ણાતોને આશ્ચર્યચકિત કર્યા છે. આ વિસ્ફોટથી આકાશમાં 14-15 કિલોમીટર ઊંચો રાખ અને ધુમાડાનું વાદળ બન્યું છે. આ વદળનો વ્યાપ હવાના પ્રવાહ સાથે યમન, ઓમાન, પાકિસ્તાન, ભારત અને ચીન સુધી ફેલાયો છે.
શા માટે સક્રિય થયો જ્વાળામુખી?
ભૂવૈજ્ઞાનિકો સમજાવે છે કે, પૃથ્વીની અંદરની ભૂસ્તરીય હિલચાલ ક્યારેય સંપૂર્ણપણે અટકતી નથી. જ્યારે પૃથ્વીના સ્તરો નીચે મેગ્મા ચેમ્બરમાં દબાણ વધે છે, ત્યારે ખડકો તૂટવા લાગે છે. જો નીચેનો લાવા નબળી સપાટી શોધી લે, તો તે રસ્તો બનાવીને બહાર આવવા લાગે છે અને મોટો વિસ્ફોટ થઈ શકે છે. ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ પણ આનું એક મુખ્ય કારણ છે. પ્લેટો જ્યારે એકબીજા સાથે અથડાય છે અથવા અલગ થાય છે, ત્યારે તેમની વચ્ચેની તિરાડો દબાણ માટે એક માર્ગ બની જાય છે અને જ્વાળામુખી જાગી ઉઠે છે. હેલી ગુબ્બીના કિસ્સામાં પણ આવું જ કંઈક બન્યું છે. મેગ્મા ચેમ્બરમાં જમા થયેલું દબાણ અચાનક સપાટી તરફ ધકેલાઈને ઉપર આવ્યું અને વિશાળ માત્રામાં રાખ હવામાં ફેંકી છે.
હવાઈ યાત્રા પર શું થશે અસર?
આ વિસ્ફોટથી નીકળેલી રાખ સામાન્ય ધૂળ ન હતી, પરંતુ અત્યંત ઝીણા, તીક્ષ્ણ ધારવાળા કણોનું મિશ્રણ હતું, જે જેટ એન્જિન માટે અત્યંત જોખમી માનવામાં આવે છે. ઉડ્ડયન નિષ્ણાતોના મતે, જ્વાળામુખીની રાખ કોઈપણ વિમાનના એન્જિન માટે સૌથી મોટો ખતરો છે. એન્જિનમાં પ્રવેશતા જ તે પીગળીને કાચ જેવો જમાવ બનાવી દે છે, જેનાથી એન્જિન ફેઇલ થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ ઉપરાંત, તે વિમાનના સેન્સર, નેવિગેશન સિસ્ટમ અને કોકપિટના કાચ પર ડાઘ અને વિઝિબિલિટી પર અસર કરી શકે છે. આ કારણે ઘણા દેશોએ થોડા સમય માટે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી અથવા ઊંચાઈના નવા પેટર્ન અપનાવ્યા છે.
પ્રદૂષણમાં વધારાની શક્યતા નહીં
લોકો માટે રાહતની વાત એ હતી કે, આ રાખ અત્યંત ઊંચાઈ પર ફેલાયેલી હતી (10-12 કિલોમીટરથી વધુ). જ્યારે રાખ જમીનની નજીક નથી આવતી, ત્યારે સામાન્ય વસ્તી પર તેની અસર ખૂબ જ મર્યાદિત હોય છે. પ્રદૂષણ વધવાની આશંકા ત્યારે જ હોય છે, જ્યારે હવા રાખને નીચે ધકેલી દે છે અને તે શ્વાસ દ્વારા શરીરમાં જાય છે. સદભાગ્યે, આવું થતું જોવા મળ્યું નથી, તેથી પ્રદૂષણમાં અચાનક ઉછાળાનું સંકટ ટળી ગયું છે.
જ્વાળામુખી ફાટવાથી હવાઈ યાત્રા પર કેવી રીતે થાય છે અસર?
– જ્વાળામુખીની રાખના કણો ઘણા સેન્સરને કામ કરવામાં આવરોધિત કે બંધ કરી શકે છે
– ન્યૂમેટિક્સને ક્ષતિ પહોંચાડે છે, જે કારણે વિમનનું એન્જિન બંધ થઈ શકે છે
– કોકપિટની વિન્ડશિલ્ડની વિઝિબિલિટી ઘટાડી શકે છે, જે અતિ જોખમી છે
– જ્વાળામુખીની રાખથી એરક્રાફ્ટ એન્જિનના ટર્બાઈન બ્લેડને નુકસાન પહોંચે છે
– ઝેરીલા ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે
– રાખના કણો જેટ એન્જિનમાં ફસાવાથી આગ લાગવાનું જોખમ રહે છે


