તિજોરી રિપેર કરવાના બહાને ચોરી કરનાર એમ.પી.નો શખ્સ જામનગર LCBના સકંજામાં
રિપેરિંગના નામે છેતરપિંડી આચરતી મધ્યપ્રદેશની ગેંગનો પર્દાફાશ : ₹4.57 લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, ધ્રોલ
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરોધી ગુનાઓ શોધી કાઢવાની મળેલી સૂચના અન્વયે જામનગર એલ.સી.બી. પોલીસે ધ્રોલ ટાઉનમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. તાળા-ચાવી રિપેર કરવાના બહાને ઘરમાં ઘૂસી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર મૂળ મધ્યપ્રદેશના એક શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
ઘટનાની વિગત મુજબ, ગત તા. 24/04/2026 ના રોજ ધ્રોલના પડધરી નાકા પાસે વાણીયા ચોકમાં રહેતા જાનીબેન ભુડીયાના રહેણાક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. ફરિયાદીના કબાટની તિજોરીનું લોક ખરાબ થઈ ગયું હોય, મકાન પાસે શેરીમાં નીકળેલા એક અજાણ્યા સરદારજીને લોક રિપેર કરવા માટે બોલાવ્યા હતા. લોક રિપેર કરતી વખતે આ શખ્સે ફરિયાદીને તેલ લેવા મોકલી, નજર ચૂકવી તિજોરીમાં રાખેલ ₹3.50 લાખનો સોનાનો હાર, ₹40 હજારનું સોનાનું પેન્ડલ અને ચાંદીના સાંકળા-કડુ મળી કુલ ₹4,36,000 ના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યો હતો.
આ વણશોધાયેલા ગુના સંદર્ભે એલ.સી.બી. પી.આઈ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા તથા સ્ટાફના માણસોએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી જાણવા મળ્યું હતું કે આ ચોરીમાં નાનકસિંગ ઇંદરસિંગ ચાવલા (રહે. રાજગઢ, મધ્યપ્રદેશ) નામનો શખ્સ સંડોવાયેલ છે. બાતમીના આધારે પોલીસે ધ્રોલ લતીપુર રોડ, વાગુળીયા પુલ પાસેથી આરોપીને દબોચી લીધો હતો.
પોલીસે આરોપી પાસેથી ચોરી ગયેલ સોનાનો હાર, સોનાનું પેન્ડલ, ચાંદીના સાંકળા, કંદોરો, કડુ અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹4,57,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ આરોપી નાનકસિંગ અગાઉ મધ્યપ્રદેશના રતલામ, ખરગોન અને જાંબવા જિલ્લાના પોલીસ મથકોમાં પણ ચોરીના ગુનામાં નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ધ્રોલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.


