ભાવનગર શહેરમાં જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોય તેમ હત્યા સહિતના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ગત 25 નવેમ્બરની રાત્રે કરચલીયાપરા વિસ્તારમાં માત્ર પાંચ હજારની લેતી દેતીમાં એક મિત્રએ જ તેના મિત્રને ચાર શખ્સોની મદદથી મેલડી માતાના મંદિર સામે છરીના ઘા મારીને રહેંસી નાંખ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આર્થિક લેવડદેવડને લઈને માથાકૂટ ચાલતી હતી
ભાવનગરના કરચલીયાપરામાં ધનાનગરમા રહેતા મોહિત ટેભાણી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. તેમને આ જ વિસ્તારમાં રહેતા કાનજી બારૈયા, કાળો કોથમરી, રામ કાળિયો અને આર્યન બારૈયા સાથે આર્થિક લેવડદેવડને લઈને માથાકૂટ ચાલતી હતી. ગત 25 નવેમ્બરની મોડી રાત્રે મોહિત તેના મિત્રો સાથે મેલડી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં આ ચારેય આરોપીઓએ તેની સાથે ઝઘડો કરીને છરીના ઘા માર્યા હતાં. ત્યાર બાદ તેઓ ફરાર થઈ ગયા હતાં. મોહિતને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મોહિતને મિત્રોએ છરીના ઘા મારી પતાવી દીધો
સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતકના કાકા મહેશ ટેભાણીએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે પોલીસ અધિકારી આર.આર.સિંધાલએ જણાવ્યું હતું કે,ગંગાજળીયા પોલીસ સ્ટેશનના કરચલિયા પરા વિસ્તારમાં રાત્રે મેલડી માતાના મંદિર પાસે મૃતક મોહિત અને તેના મિત્ર આરોપી કાના વચ્ચે પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થઈ હતી.જેમાં ચારેય આરોપીઓએ ભેગા થઈ મોહિતને તીક્ષ્ણ છરીના ઘા મારતા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.આ મામલે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રી કન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું છે.


