વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલી આશ્રમ શાળાઓમાં નવા શિક્ષકો પાસેથી “વિકાસ ફાળા”ના નામે ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાના ગંભીર કેસમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા બે ઇન્ચાર્જ પ્રિન્સિપાલોને ફરજ પરથી મોકૂફ (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, જેનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
આશ્રમ શાળામાં પૈસા લેવાના કેસમાં કાર્યવાહી
કપરાડા તાલુકાની સુથારપાડા આશ્રમ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શશિકાંત પટેલ અને આસલોણા આશ્રમ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અરવિંદ પટેલને તત્કાળ અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. તેમની સામે આશ્રમ શાળાના સંચાલક મંડળ સાથે મળીને નવા નિમણૂક પામેલા શિક્ષકો પાસેથી ગેરરીતિપૂર્વક રકમની માંગણી કરવાનો અને પૈસા લેવાનો આરોપ છે. આ બંને અધિકારીઓની સંડોવણી સ્પષ્ટ થતાં તેમની સામે વહીવટી પગલાં લેવામાં આવ્યા છે.
બે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સસ્પેન્ડ
આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને જોતાં આશ્રમ શાળાના સંચાલન સાથે જોડાયેલા હોદ્દેદારો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નીરા તાડ ગોળ અને ખાદી સંઘના પ્રમુખ વસંત પટેલ, મંત્રી ધુરીયા પાડવી, તેમજ સસ્પેન્ડ કરાયેલા પ્રિન્સિપાલ શશિકાંત પટેલ અને અરવિંદ પટેલ એમ કુલ ચાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મંડળે નવા શિક્ષકો પાસેથી વિકાસ ફાળા ના નામે પૈસાની માંગણી કરી
પ્રાપ્ત માહિતી મુજબ, સંચાલક મંડળ દ્વારા નવા ભરતી થયેલા શિક્ષકો પાસેથી શાળાના કથિત “વિકાસ ફાળા”ના નામે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. શિક્ષણના પવિત્ર કાર્ય સાથે જોડાયેલી આશ્રમ શાળામાં જ આ પ્રકારનું આર્થિક શોષણ થતાં શિક્ષકોમાં રોષ ફેલાયો હતો. આખરે, આ મામલો સપાટી પર આવતાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું અને ભ્રષ્ટાચારને ડામવા માટે તાત્કાલિક પગલાં લીધા હતા. બે ઇન્ચાર્જ પ્રિન્સિપાલની હકાલપટ્ટી અને પોલીસ ફરિયાદને કારણે હવે આ કેસમાં વધુ ઊંડી તપાસ થવાની શક્યતા છે, જેથી સંડોવાયેલા અન્ય વ્યક્તિઓના નામો પણ સામે આવી શકે.


