પાલનપુર હાઈવે સર્કલ પર ટ્રાફિકજામની સમસ્યા અંગે ઘણા સમયથી શહેરી જનો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં તેનો કોઈ નક્કર પરીણામ આવતું નથી અને સમસ્યાના ઉકેલના નામે નાણાં વ્યય થઈ રહ્યા છે. નાણાં ખર્ચ કર્યા પછી સમસ્યા ઘટવાને બદલે વધી જતા અધિકારીઓની નિષ્ફળતા સામે તપાસ કરી પગલાં લેવાની લોકોની માંગ છતાં આ બાબતે કોઈ કાર્યવાહી ન થતા આવા અધિકારીઓને સાચવી લેવા બદલ પણ લોકોમાં ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે. ત્યારે દેશના ગૃહમંત્રીના આગમન પૂર્વે પાલનપુર હાઈવે સર્કલ પર રિહર્સલ દરમ્યાન રસ્તા ખુલ્લા કરાવતા હાઈવે સર્કલ પર રસ્તો ખુલ્લો જોવા મળ્યો હતો. આમ, પોલીસ ધારે તો ટ્રાફિક સમસ્યા ઉકેલાઈ જાય તેમ લોકોમાં ચર્ચા એરણે ચડી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ વિકટ બની છે અને માત્ર હાઈવે નહિં પરંતુ શહેરની પણ આવી જ કંઈક દુર્દશા છે. શહેરમાં આડેધડ વાહનો પાર્ક કરવા ઉપરાંત આડેધડ લારીઓ ઉભી રાખવાની અને જાહેરર રસ્તા પર દબાણો ના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. આમ છતાં ટ્રાફિક પોલીસ જાણે અહિં શોભાના ગાંઠિયા સમાન હોય અને નેત્રમ પણ માત્ર મોબાઈલ પર વાત કરનારા લોકો પાસેથી દંડ વસુલે છે પરંતુ શહેરમાં ટ્રાફિક અડચણ કરનારાઓ પાસે અહિં નેત્રમ પણ જાણે મોતિયો આવ્યો હોય તેમ કાર્યવાહી કરી શકતું નથી. આવા સંજોગોમાં પાલનપુર હાઈવે સર્કલ પર જ્યા સવારે ટ્રાફિક સર્જાયું હતું અને આમ તો અહિં સતત ટ્રાફિકજામ રહે છે ત્યાં હવે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું તે દરમ્યાન અહિં ટ્રાફિકનું સોલ્યુશન આવ્યું હતું અને અહિં રસ્તા ખુલ્લા જોવા મળ્યા હતા. આમ પોલીસ ધારે ત્યારે ટ્રાફિક ખુલ્લો કરાવી શકે તે આ રિહર્સલ દરમ્યાન જણાઈ આવ્યું છે.
આમ, પાલનપુર હાઈવે સર્કલ પર ટ્રાફિક સમસ્યા હંમેશા લોકોને મુશ્કેલીમાં મુકે છે અને કેટલીકવાર તો ટ્રાફિકજામના કારણે લોકો સમયસર હોસ્પિટલ પણ પહોંચી શકતા ન હોવાની રાવ ઉઠી છે ત્યારે સવારે જ્યાં ટ્રાફિક હતો તે જ હાઈવે સર્કલ પર પોલીસે રિહર્સલ કર્યું ત્યારે રસ્તો બિલકુલ ખુલ્લો જોવા મળ્યો હતો અને ટ્રાફિકની કોઈ સમસ્યા જણાઈ ન હતી. આમ પોલીસ ધારે તો અહિં ટ્રાફિકનું સોલ્યુશન આવી શકે તેમ માનવામાં આવી રહ્યું છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


