અમદાવાદમાં મહાનગર પાલિકા દ્વારા બીયુ પરમીશન વિનાની પ્રિ સ્કૂલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીનો વિરોધ કરતાં આજે પ્રિ સ્કૂલના સંચાલકોએ મહાનગર પાલિકાની કચેરીમાં જઈને વિરોધ કર્યો હતો. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સંચાલકોએ બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે રજૂઆત કરી હતી. તેમણે બીયુના બદલે સલામતીના ધોરણોને પ્રાથમિકતા આપવા માગ કરી હતી.
BUના બદલે સલામતી ધોરણોને પ્રાથમિકતા આપવા માંગ
વિરોધ કરી રહેલા પ્રિ સ્કૂલના સંચાલકોની માગ છે કે, જે સ્કૂલોને સીલ મારવામાં આવ્યું છે તેને ખોલવામાં આવે. બીજી તરફ અમારી પણ ઘણી સમસ્યાઓ છે તેનો પણ ઉકેલ લાવવામાં આવે. આ બાબતે કોઈ નિકાલ નહીં આવે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાશે. સ્કૂલોને સીલ મારવામાં આવ્યું હોવાથી બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. સ્કૂલો ના ખોલવી હોય તો અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વિના જ સીલ મારવામાં આવ્યું છે. ગણતરીના સમયમાં બીયુ પરમીશન મેળવી શકાય તેમ નથી.
આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની આપી ચીમકી
અમારા દ્વારા મહાનગર પાલિકાના તંત્રને ઘણી બાબતે રજૂઆત કરવામાં આવી છે. પણ તે કોઈ પણ બાબતને માનવા તૈયાર નથી. તેઓ પોતાની મનમાની કરી રહ્યાં છે. સ્કૂલોને સીલ કરવાનો હેતુ શું છે તે સમજાતુ નથી. અમારી સમસ્યાઓને સાંભળીને તેનું નિરાકરણ કરવામાં આવે. જો નિરાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશું. આગામી સમયમા ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી છે.


